P.I. અને ACPનાં નામે રૂપિયા
માંગતા રાજેશ શિલુનો બોસ કોણ?
લાંચકાંડનો પર્દાફાશ થવાથી ખૂદ પોલીસ વિભાગનાં કર્મચારીઓ પણ રાજી-રાજી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટરમાં ચાલતાં કથિત લાંચકાંડ અંગે ‘ખાસ-ખબર’માં શનિવાર, તારીખ 28 ઑક્ટોબરનાં રોજ પ્રકાશિત થયેલા અહેવાલ બાદ પોલીસ વિભાગ સહિત આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. અને પોલીસ વિભાગનાં સૂત્રો જણાવે છે કે, આ ભાંડાફોડથી અમૂક અધિકારીઓ સિવાય બધાં જ રાજી છે. આ મામલામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કદાચ સારા ઈરાદાથી તપાસ ચાલું કરાવી છે. પરંતુ આખા પ્રકરણની સાચી વિગતો ક્યારેય બહાર નહીં આવે તેવો દાવો સૂત્રો કરી રહ્યાં છે.
બીજી તરફ સૂત્રોનો દાવો એવો છે કે, મહિલા કર્મચારીએ આ અંગે એક મહિલા અધિકારીને અને એક ઊચ્ચ કક્ષાનાં અધિકારીને ફરિયાદ કરી હતી, તેમને ઑડિયો ક્લિપ પણ સંભળાવી હતી. પરંતુ અધિકારીઓએ આ મુદ્દે બિલકુલ ધ્યાન આપ્યું ન હતું અને મહિલા કર્મચારી સામે શરત મૂકી હતી કે, જો તે લેખિત ફરિયાદ કરશે તો જ કંઈક થશે. સાથે-સાથે એવી આડકતરી ધમકી પણ આપી હતી કે, લેખિત ફરિયાદ કરશો તો નોકરી પર જોખમ ઊભું થશે!
સૂત્રોનો દાવો સાચો હોય તો એ વાત સ્પષ્ટ છે કે, કમિશનર ઝાને અંધારામાં રાખીને કેટલાંક અધિકારીઓ મામલો નિપટાવી દેવાનાં મૂડમાં હતાં. જે લોકો મામલો દબાવવામાં સામેલ હતાં- એ જ હવે આ લાંચકાંડની તપાસમાં જે-તે પ્રકાર ઈન્વોલ્વ હોય તો આવી તપાસનું પરિણામ શું આવે, એ આપણને ખ્યાલ જ હોય.
- Advertisement -
ઑડિયો ક્લિપ ડીલીટ કરાવવા કૉન્સ્ટેબલ શિલુ મહિલા કર્મચારીનાં ઘેર પહોંચ્યો
પોલીસ હેડક્વાર્ટરનાં લાંચકાંડ અંગે એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. હેડક્વાર્ટરનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મહિલા કર્મચારીએ પોતાની સાથેની વાતચીતનો ઑડિયો રેકોર્ડ કર્યો છે તેની જાણ થતાં કૉન્સ્ટેબલ શિલુ પેલા મહિલા કર્મચારીનાં ઘેર પહોંચી ગયો હતો અને સમજાવટથી તેનાં મોબાઈલમાંથી ઑડિયો ક્લિપ ડીલીટ કરાવી હતી. જો કે, ત્યાં સુધીમાં અન્ય કેટલાંક લોકોનાં મોબાઈલમાં આ ક્લિપ પહોંચી ગઈ હતી.
મહિલા કર્મચારીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સજા મળી: 24 કલાકની ડયૂટી
હેડકવાર્ટરનાં મહિલા કર્મચારીને ભ્રષ્ટાચાર ઉઠાવવાની સજા મળવાનું ચાલું થઈ ગયું છે. સૂત્રોમાંથી મળતી વિગતો જો સાચી માનીએ તો આ મહિલા કર્મચારીને બૅન્કની 24 કલાકની ડ્યૂટી આપી દેવામાં આવી છે. મોટાભાગનાં કિસ્સામાં થતું હોય તેમ અહીં વ્હિસલ બ્લૉઅરને જ અપરાધિ સાબિત કરી દેવામાં આવ્યા છે.
મહિલા કર્મચારીને ત્યાં છ મહિનાની દીકરી: છતાં ત્રાસ અપાય છે
પોલીસ હેડક્વાર્ટરમાં ચાલતાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મહિલા કર્મચારીને છ મહિનાની નાની દીકરી છે. સ્વાભાવિક છે કે, માતા તરીકે તેણે દીકરીને ખૂબ સમય આપવો પડે. છતાં કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓએ નાની ઢીંગલીની પણ દયા રાખ્યા વગર મહિલાને 24 કલાકની આકરી ડ્યૂટી આપી દેવામાં આવી છે.