બચાવ ટુકડીઓ હવે અગાઉ પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં પ્રવેશ કરી રહી છે કારણ કે પાણી ઓછું થઈ રહ્યું છે, જે ઘરો, રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક વિનાશ દર્શાવે છે.
દક્ષિણ થાઈલેન્ડમાં આવેલા પૂરના કારણે ભારે તબાહી મચી છે. કુદરતના આ કહેરમાં ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા છે. મૃત્યુઆંકની આટલી મોટી સંખ્યાએ વિશ્વભરમાં ચિંતા વધારી દીધી છે.
- Advertisement -
થાઈલેન્ડના ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન ડિપાર્ટમેન્ટે માહિતી આપી કે ભારે વરસાદના કારણે 12 દક્ષિણી પ્રાંતોમાં આ પૂર આવ્યું છે. આ વિનાશના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. સરકારી પ્રવક્તા સિરીપોંગ અંગકાસાકુલકિયાતે બેંગકોકમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે પૂરના કારણે દેશના 8 પ્રાંતોમાં 145 લોકોના જીવ ગયા છે. સૌથી વધુ જાનહાનિ સોંગખલા પ્રાંતમાં નોંધાઈ છે, જ્યાં 110 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અહેવાલો દર્શાવે છે કે બચાવ દળ પહેલાં પાણીમાં ડૂબેલા રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ન શક્યા હોવાથી સોંગખલા પ્રાંતમાં મૃત્યુઆંકમાં તેજીથી વધારો નોંધાયો છે. આ આપત્તિને કારણે 12 લાખથી વધુ ઘરો અને 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ પૂરના કારણે અનેક ઘરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. સામે આવેલા વીડિયોમાં પરિસિ્થતિ અત્યંત ખરાબ જણાય છે. જગ્યાએ-જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે અને ઘરનો સામાન પૂરના પાણીમાં વહી રહ્યો છે. રસ્તાઓ પર મોટા પાયે કાટમાળ ફેલાયેલો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર કારો ઊંધી વળેલી જોવા મળે છે. આ ભયાનક પૂરથી સ્થાનિક લોકોનું જીવન સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે.




