કોઈપણ દેશનું નામ લીધા વિના, પીએમ મોદીએ પહેલગામ હુમલાને માત્ર ભારત પર જ નહીં, પરંતુ સહિયારા વૈશ્વિક મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો.
G-7 શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G-7 આઉટરીચ સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનું પુનરાવર્તન કર્યું અને તેને વૈશ્વિક જોખમના રૂપે જોઈ એકજૂટ થઈ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી.
- Advertisement -
આતંકના સમર્થક દેશોએ તેની કિંમત ચૂકવવી પડશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આપણા વિચાર અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ, જો કોઈ દેશ આતંકવાદનું સમર્થન કરે છે, તો તેને તેની કિંમત ચૂકવવી પડશે. આંતરરાષ્ટ્રીય સમુદાયની કાર્યવાહીમાં બેવડા માપદંડ ન હોવા જોઈએ. એકબાજુ અમે પોતાની પસંદ મુજબ વિવિધ પ્રકારના પ્રતિબંધ જલદી લગાવી દઇએ છીએ તો બીજીબાજુ જે દેશ જાહેરમાં આતંકવાદનું સમર્થન કરે છે, તેમને ઈનામ આપવામાં આવે છે. આ બેવડા માપદંડ બંધ થવા જોઈએ.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર જાણકારી આપતા કહ્યું કે, ‘વડાપ્રધાને આતંકવાદ સામે ભારતના વલણને પુનરાવર્તિત કરી પહલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલાની નિંદા કરવા માટે નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આતંકવાદને પ્રોત્સાહન અને સમર્થન આપનારની સામે કડક વૈશ્વિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો.’
- Advertisement -
G-7 સ્ટેજ પરથી ગ્લોબલ સાઉથના મુદ્દા પણ ઉઠાવ્યા
નોંધનીય છે કે, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન તેમજ PoKમાં હાજર આતંકી ઠેકાણાને નાબૂદ કર્યા. વડાપ્રધાને જી-7 નેતાઓ સાથે પોતાની વાતચીતને પ્રોડક્ટિવ જણાવી અને કહ્યું કે, ‘આ ચર્ચા વૈશ્વિક પડકારો અને બહેતર ભવિષ્ય માટે આશાઓ પર કેન્દ્રિત રહી.’
શિખર સંમેલન સિવાય વડાપ્રધાન મોદીએ અનેક દ્વિપક્ષીય મુલાકાત પણ કરી. તેમણે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના પ્રમુખ ઇમેનુએલ મૈક્રોં, દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુંગ, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં વ્યાપારિક સહયોગ, રોકાણ વધારવા અને વૈશ્વિક આર્થિક સહયોગ મજબૂત કરવા વિશે ચર્ચા થઈ.
AI મુદ્દે શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘AI પોતે જ એક ટેકનોલોજી છે જેને ઘણી બધી ઊર્જાની જરૂર પડે છે. જો ટેકનોલોજી-સંચાલિત સમાજની ઊર્જા જરૂરિયાતોને ટકાઉ રીતે પૂરી કરવાનો કોઈ રસ્તો હોય, તો તે નવીનીકરણીય ઉર્જા દ્વારા છે. છેલ્લી સદીમાં ઊર્જા માટે સ્પર્ધા હતી પરંતુ આ સદીમાં આપણે ટેકનોલોજી માટે સહકાર આપવો પડશે. ‘ડીપ-ફેક’ એ ખૂબ ચિંતાનો વિષય છે, તેથી AIની મદદથી બનાવવામાં આવતી સામગ્રી પર સ્પષ્ટ ઘોષણા થવી જોઈએ કે તે AIની મદદથી બનાવવામાં આવી છે. ફોટો કે વીડિયોમાં વ્યક્તિના ચહેરા કે શરીરને ડિજિટલી બદલવાની ટેકનોલોજીને ‘ડીપફેક’ કહેવામાં આવે છે. ‘મશીન લર્નિંગ’ અને AI ની મદદથી બનાવવામાં આવેલા આ વિડીયો અને ચિત્રો વાસ્તવિક લાગે છે અને તેને જોઈને કોઈપણ છેતરાઈ શકે છે.
ભારત-કેનેડાના સંબંધ સુધરશે
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવને સમાપ્ત કરવા માટે પણ સકારાત્મક પહેલ કરવામાં આવી હતી. બંને દેશો નવા હાઈ કમિશનરોની નિમણૂક કરવા સંમત થયા હતા, જે વિઝા, વાણિજ્ય અને અન્ય સેવાઓને સામાન્ય બનાવશે. G-7 સમિટમાં વડાપ્રધાન મોદીની ભાગીદારીને ભારતની વૈશ્વિક ભૂમિકાને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં ભારતે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું અને વિકાસશીલ દેશોનો અવાજ ઉઠાવ્યો.




