ઉત્તર પ્રેદશમાં એક સરકારી કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્ય મંત્રી મંચ પર જ ઝઘડી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરીનું સંબોધન ચાલી રહ્યું હતું, તે સમયે જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.
બંને મંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીની જાણ ત્યારે થઈ ત્યારે મંચ સંચાલકે માઈકમાં જ માફી માગતા કહ્યું કે, સંબોધનના ક્રમમાં મંત્રીઓના નામ બોલવામાં ભૂલ થઈ ગઈ છે, જેથી તેઓ ક્ષમા માગે છે.
- Advertisement -
શું હતી ઘટના?
રવિવારે ઈન્ટરનેટ મીડિયા પર બંને મંત્રીઓ વચ્ચેની ઓન-સ્ટેજ વાતચીતના વીડિયો સર્ક્યુલેટ થયા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. બધાઈકલાં ખાતે આઈટીઆઈના ઉદ્ધાટન સમારોહમાં આ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) જયંત ચૌધરી કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. સ્ટેજની પાછળ બેકડ્રોપ પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીની સાથે કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને રાજ્ય મંત્રીની તસવીર પણ લગાવવામાં આવી હતી. જોકે, આઈટીઆઈ બિલ્ડિંગના શિલાલેખ પર માત્ર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રી જયંત ચૌધરી અને રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી અનિલ કુમાર નારાજ થયા હતા.
શિલાલેખ પર નામ ન લખાતા નારાજ
- Advertisement -
કેબિનેટ મંત્રી અનિલ કુમાર શિલાલેખ પર પોતાનું નામ ન મળતાં નારાજ થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સ્ટેજ પર પણ મંત્રીઓના સંબોધન વખતે તેમનું નામ ખોટા ક્રમમાં બોલાઈ જતાં તેઓ ગુસ્સે થયા હતા. AVPLના કોફાઉન્ડર અને એમડી દીપે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી અનિલ કુમારને સંબોધિત કર્યા હતા. બાદમાં રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલ અને મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને બોલાવ્યા હતા.
જયંત ચૌધરીના સંબોધન વખતે જ બોલાચાલી
જ્યારે જયંત ચૌધરી સંબોધન કરી રહ્યા હતા ત્યારે મંચ પર બેઠેલા કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલ વચ્ચે સંબોધનમાં પ્રોટોકોલનું પાલન ન કરવાને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારે રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલે ઈશારો કરીને ડાયરેક્ટર દીપને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાં સુધી બંને મંત્રીઓ એકસાથે બેઠા હતા, પરંતુ બાદમાં કેબિનેટ મંત્રી અનિલ કુમાર દૂર ખસી અંતર જાળવી બેઠા હતા. જયંત ચૌધરીનું સંબોધન સમાપ્ત થયા બાદ ડાયરેક્ટર દીપે માઈક દ્વારા કહ્યું કે સંબોધનના ક્રમમાં મંત્રીઓને બોલાવવામાં ભૂલ થઈ છે અને તે બદલ અમે માફી માગીએ છીએ.