જિલ્લામાં 18 ચેકપોસ્ટ: સઘન ચેકિંગ
મોરબી જિલ્લામાંથી પોલીસે 634 હથિયાર જમા કર્યા, 1248 આરોપીઓની અટકાયત કરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા જ આચાર સંહિતા લાગુ પડી ચૂકી છે જેના પગલે મોરબી જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને અટકાયતી પગલાં લેવાની સાથે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી હાઇવે ઉપર ચેક પોસ્ટ શરૂ કરી સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાની સ્થિતિ જોઈએ તો, મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ જીલ્લાના અલગ અલગ પોલીસ મથકો દ્વારા તેમના પોલીસ મથક વિસ્તારના પ્રવેશ દ્વાર પર ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે અને ત્યાંથી નીકળતા વાહનોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે મોરબી જીલ્લામાં કુલ 18 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનાળા બાયપાસ, બી ડિવિઝન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી અને નવલખી બાયપાસ, તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આંદરણા ગામ પાસે, ભરતનગર ગામ પાસે તેમજ મકાનસર ગામ પાસે કરવામાં આવી છે. આ ઉપરાંત વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા સહિતના પોલીસ પથક વિસ્તારોમાં પણ ચેકપોસ્ટ શરૂ કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી આચાર સંહિતાની અમલવારી અંગે ડીવાયએસપી પી. એસ. ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં 634 હથિયાર જમા કરી ગેરકાયદેસર હથિયાર પકડવાની ઝુંબેશમાં ચાર હથિયાર કબ્જે કરાયા છે. વધુમાં જીલ્લાની ત્રણેય બેઠકોમાંથી કુલ 1234 ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે અટકાયતી પગલાં લઈ 8 આરોપીઓને પાસા તળે જેલ ભેગા કરી 8 આરોપીઓને તડીપાર કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જીલ્લામાં 18 હાઇવે ચેક પોસ્ટ શરૂ કરી રાઉન્ડ ધ ક્લોક ચેકીંગની સાથે સ્ટેટેસ્ટીક સ્ક્વોડને પણ મેદાનમાં ઉતારી ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા કરાવવા પોલીસ તંત્ર કટિબદ્ધ હોવાનું તેમને જણાવ્યું હતું.