અટિકા વિસ્તારમાંથી બે શખ્સને પોલીસે પકડી તપાસ કરતા મહેશ આસોદરિયા ક્રિકેટની ઓનલાઇન IDથી જુગાર રમાડતા હોવાની વિગતો બહાર આવી!
પૂર્વ મંત્રી રાદડિયાએ ભારે વિરોધ વચ્ચે જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે આસોદરિયાને રાજકોટ લોધિકા સંઘમાં બેસાડ્યા હતા
ગત સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાંચે અટિકા વિસ્તારમાંથી બે શખ્સને ઝડપી લઇ તપાસ કરતા રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર આસોદરિયાનું નામ ખૂલતા રાજકીય ક્ષેત્રે ચકચાર મચી ગઇ હતી. ઝડપાયેલા શખ્સને આસોદરિયાએ સટ્ટો રમવા માટેની આઇ.ડી. આપી હતી, પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે તો મોટાં માથાંનાં નામ ખૂલવાની સંભાવના છે. વિરાણી અઘાટમાં બાલાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાના વાળી શેરીમાં ઊભા રહીને બે શખસ પોતાના મોબાઇલમાં આઇ.ડી.મારફત ફોન પર જ રાજસ્થાન તથા લખનઉ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમાડી રહ્યા છે એવી માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ ધોળા સહિતની ટીમ દોડી ગઇ હતી.
પોલીસે સ્થળ પર જઇ ત્યાં હાજર ચંપકનગરના પ્રતીક દિનેશ ટોપિયા અને કુવાડવા રોડ પરના એલપી પાર્કમાં રહેતા હાર્દિક જિતેન્દ્ર તારપરાને સકંજામાં લઇ બંને પાસેથી ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા. જેમાંથી એક મોબાઇલમાંથી મળેલી આઇ.ડી. સહકારી આગેવાન મહેશ આસોદરિયાએ અને બીજા મોબાઇલમાંથી મળેલી આઇ.ડી.મુંબઇ રહેતા હિમાંશુ પટેલે આપ્યાની કબૂલાત આપી હતી. તેમજ હાર્દિક તારપરાના મોબાઇલમાંથી મળેલી આઇ.ડી.અજય નટવરલાલ મીઠિયાએ આપ્યાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની અટકાયત કરી રૂ.85 હજારના ત્રણેય મોબાઇલ કબજે કરી સહકારી આગેવાન આસોદરિયા સહિત ત્રણની શોધખોળ શરૂ કરી હતી.
- Advertisement -
મહેશ આસોદરિયાના ચારિત્ર અંગે ધ્યાન દોર્યું હતું: ઢાંકેચા
રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ જણાવ્યું હતું કે, જ્યારે રાજકોટ લોધિકા સંઘમાં વિજય સખિયાનું નામ હટાવીને તેના સ્થાને જિલ્લા બેંક તરફથી મહેશ આસોદરિયાનું નામ આવ્યું તે સમયે મહેશ આસોદરિયાના નામનો પોતે તેમજ અન્ય આગેવાનોએ વિરોધ કર્યો હતો, તેમજ પ્રદેશ ભાજપના આગેવાનો સમક્ષ પણ રજૂઆતમાં કહ્યું હતું કે, આસોદરિયા બુકીની છાપ ધરાવે છે, રાજકોટ લોધિકા સંઘમાં કોઇ આબરૂદાર વ્યક્તિની નિમણૂક કરાઇ તેવી માંગ કરવામાં આવી હતી.
આસોદરિયાનું રાજકારણ
રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પટાવાળાની ભરતીમાં આર્થિક કૌભાંડ કરવામાં આવ્યાની ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ પ્રદેશ ભાજપના આગેવાનો સમક્ષ ભાજપના જ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી, તે રજૂઆત પત્રમાં રાજકોટ લોધિકા સંઘમાં બેંકના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર તરીકે રહેલા વિજય સખિયાએ પણ સહી કરી હતી, વિજય સખિયા હરીફ જૂથ સાથે ભળી જતાં જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘમાં બેંકના પ્રતિનિધિ તરીકે વિજય સખિયાનું નામ હટાવીને મહેશ આસોદરિયાનું નામ મુક્યું હતું જેના પર હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી હતી. ત્યારે હવે આસોદરિયાનું નામ ક્રિકેટ સટ્ટામાં બહાર આવતા ભાજપના કેટલાક નેતાઓને નીચાજોણું થયું છે.