ખાસ-ખબર સંવાદદાતા
ભારતને તાજિન્દરપાલ સિંઘ અને પારૃલ ચૌધરીએ બેંગકોકમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વધુ બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. તાજિન્દરપાલ સિંઘે ગોળા ફેંકમાં એશિયન ચેમ્પિયન તરીકેનું પ્રભુત્વ જાળવી રાખતાં સફળતા મેળવી હતી. જ્યારે પારૃલ ચૌધરીએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં તમામ હરિફોને પાછળ રાખી દીધા હતા. યુવા લોંગ જમ્પર શૈલી સિંઘે સિનિયર લેવલે પહેલા મેડલ તરીકે સિલ્વર મેળવ્યો હતો.
એશિયન રેકોર્ડ ધારક તાજિન્દરપાલ સિંઘે તેના બીજા પ્રયાસમાં રેકોર્ડ 20.23 મીટરનો થ્રો કર્યો હતો અને ગોલ્ડ મેડલ નિશ્ર્ચિત કર્યો હતો. જોકે આ થ્રો પછી તેનો સ્નાયુ ખેંચાઈ ગયો હતો. જેના કારણે તેને ખસી જવું પડયું હતુ. અલબત્ત, તેના આ થ્રોને સહારે તેણે ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો હતો. ઈરાનના સાબેરી મેહદીને 19.98 મીટરના થ્રો સાથે સિલ્વર અને કઝાખસ્તાનનાઈવાન ઈવાનોવને 19.87 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પારૂલ ચૌધરીએ 9 મિનિટ અને 38.76 સેક્ધડ સાથે 3000 મીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનની ઝુ શુએંગને (9:44.54) સિલ્વર અને જાપાનની રૈમી યોશિમુરા (9:48.48)ને બ્રોન્ઝ મળ્યો હતો.