આ વર્ષે 3 ગણા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા
ભારતીયોએ વિદેશયાત્રા પાછળ 1.67 લાખ કરોડ ખર્ચ કર્યો, 5 વર્ષમાં 3 ગણો વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ન્યૂયોર્ક, તા.20
સમગ્ર વિશ્ર્વમાં મહામારી પછી પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી છે અને સૌથી વધુ ફાયદો એશિયાને થયો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (ડબલ્યુટીટીસી) અનુસાર 2024માં વિદેશી મુલાકાતોની સંખ્યા 2019ના સ્તરને વટાવી જવાની ધારણા છે. પ્રવાસીઓ દ્વારા ખર્ચવામાં આવતી રકમ પણ 2019 કરતાં વધુ હોવાની અપેક્ષા છે. કોરોના વખતે એશિયામાં પ્રવાસન ઉદ્યોગને ભારે ફટકો પડ્યો હતો. જોકે હવે સુધારો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને લીધે લાગુ કરાયેલા કડક નિયમોને કારણે એશિયામાં પર્યટનની ગતિ ધીમી હતી. ચીનથી મલેશિયા સુધીના દેશોએ યુરોપ અને અમેરિકાની સરખામણીમાં લાંબા સમય સુધી કડક નિયમો લાદયા હતા, જેના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. પરંતુ એશિયામાં હવે પ્રવાસન ઉદ્યોગે ફરી જોરદાર વાપસી કરી છે.આ વર્ષે એશિયન દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં એક તૃતીયાંશ જેટલો વધારો થવાની ધારણા છે, જે અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં વધુ છે. પર્યટનમાં તેજીનું સૌથી મોટું કારણ એશિયાના પોતાના પ્રવાસીઓ છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના જણાવ્યા અનુસાર આમાં ભારતીયોનો પણ મોટો ફાળો છે.ભારતીયો હવે વિદેશ પ્રવાસ માટે વધુ ખર્ચ કરી રહ્યા છે. માર્ચ 2024 સુધીમાં ભારતીયોએ વિદેશ પ્રવાસો પાછળ લગભગ 1.67 લાખ કરોડ રૂૂપિયાનો ખર્ચ કર્યો, જે 5 વર્ષ પહેલાં કરતાં 3 ગણો વધારે છે. મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ પડોશી દેશોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ સરળ વિઝા પ્રક્રિયાઓ હોવાનું કહેવાય છે. ડબ્લ્યુટીટીસી અનુસાર 2030 સુધીમાં માત્ર અમેરિકન અને ચીની પ્રવાસીઓ ભારતીયો કરતાં પ્રવાસન પાછળ વધુ ખર્ચ કરશે.
એશિયા નવું પર્યટન સ્થળ, એરલાઇન્સો પણ ફ્લાઇટની સંખ્યા વધારી રહી છે
એશિયામાં નવા પ્રવાસન સ્થળોમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓ હવે પહેલાં કરતાં વધુ ભારત, સિંગાપોર અને મલેશિયાની મુલાકાતે આવી રહ્યા છે. જૂન 2024માં એશિયામાં 5 લાખથી વધુ હોટલ રૂમો બનાવાઈ છે, જે ગયા વર્ષ કરતાં 4% વધુ છે. ઘણી એરલાઈન્સે એશિયા માટે ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે. બ્રિટિશ એરવેઝે બેંગકોક અને કુઆલાલુમ્પુર માટે તેની ફ્લાઈટ્સ ફરી શરૂૂ કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારત અને ચીનની આંતરરાષ્ટ્રીય યાત્રાઓની સંખ્યા બમણી થવાની ધારણા છે. આમાં વધુ પ્રગતિ થવાની સંભાવના છે.
- Advertisement -