માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઇનો જોવા મળી
રાજકોટના પેલેસ રોડ પર આવેલું આશાપુરા મંદિર એવું પૌરાણિક મંદિર છે જે આજથી 90 વર્ષ પહેલા રાજવી પરિવારે જ સ્થાપ્યું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આજે પણ આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાજવી પરિવારના રાણીસાહેબ ખૂદ વહેલી પરોઢે 4.30 કલાકે મંદિરે આવીને માતાજીના શણગાર કરે છે. આ મંદિરે ત્રણ પેઢીથી નોરતામાં માતાજીનો શણગાર રાણીસાહેબના હસ્તે જ થાય છે. આશાપુરા મંદિરની સ્થાપના 1935માં રાજવી પરિવાર દ્વારા કરાઈ ત્યારથી જ અહીં મા આદ્યશક્તિની આરાધના થાય છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાના મંદિરે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. શહેરના પેલેસ રોડ પર આવેલા આ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અહીં માતાજીને દરરોજ અલગ-અલગ શણગાર કરવામાં આવવાનો છે, જેના દર્શનનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના બાદ, રાત્રિના સમયે મંદિરના પટાંગણમાં ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ માતાજીની આરાધના કરશે. આ દૃશ્ય શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક છે.
- Advertisement -