પરીક્ષા સ્થગીત : વિમાની સેવાઓ રદ : રેડએલર્ટ જાહેર : ઓડિશા-પશ્ર્ચીમ બંગાળ સહિત અર્ધો ડઝન રાજ્યો સાવધ
ખાસ-ખબર સંવાદદાતા
બંગાળની ખાડીમાં ઉદ્દભવેલા ‘અસાની’ વાવાઝોડાએ છેલ્લી ઘડીએ દિશા બદલતા આંધ્રપ્રદેશના કિનારે ત્રાટક્યું છે અને તેના પ્રભાવહેઠળ અનેક ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ શરુ થઇ જતાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, સાંજથી વાવાઝોડું ફરી વળાંક લઇને દરિયામાં જ પહોંચીને આગળ વધવા લાગશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજયનગર,વિશાખાપટ્ટનમ, પૂર્વી ગોદાવરી, કૃષ્ણા, તથા પશ્ચીમ ગોદાવરી જિલ્લાઓમાં વ્હેલી સવારથી 50 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ શરુ થઇ ગયો છે. અસાની વાવાઝોડાએ છેલ્લી ઘડીએ દિશા બદલી હતી અને તેને પગલે આંધ્રપ્રદેશના કાકીનાડા તથા વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેમ છે જેને પગલે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદ વચ્ચે પૂર સ્થિતિનું નિર્માણ થાય તો રાહત-બચાવ કામગીરી માટે એનડીઆરએફની 50 ટીમોને તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 22નેપશ્ચીમ બંગાળમાં રાખવામાં આવી છે.
હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે આજે બપોર સુધીમાં વાવાઝોડુ દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ફરી વળાંક લઇને પશ્ચીમ-મધ્ય બંગાળની ખાડીમાં પહોંચી જવાની શક્યતા છે. અને આવતીકાલથી નબળુ પડવા લાગશે. વાવાઝોડાની અસર બિહાર, ઝારખંડ, છતીસગઢ, પશ્ચીમ બંગાળ તથા ઓડિશામાં પણ રહેવાની અને તોફાની પવન સાથે વરસાદ થઇ શકે છે. વાવાઝોડા તથા ભારે વરસાદની ચેતવણીને પગલે આંધ્રપ્રદેશ દ્વારા તમામ પરીક્ષાઓ રદી કરી નાખી છે. ઉપરાંત વિશાખાપટ્ટનમ સહિતના શહેરોની વિમાની સેવા રદ કરાઈ છે.