ધોરાજી રોડ પર ફ્લાયઓવર બની જતાં સ્થાનિકોને સામે જવા માટે આખો બ્રિજ ફરવો પડી રહ્યો હોઇ નારાજગી
એક બે નહીં, ચાર પોલીસ સ્ટેશનથી કાફલો દોડ્યો, સમજાવટથી મામલો થાળે પાડ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલ્વે ફાટક પર રૂ.53 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર માટે દિવાળીના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ રેલ્વે ફાટક કાયમ માટે બંધ કરી દેવાતા ફાટક પછીના અંદાજે 7 વિસ્તાર જેમાં જલારામ નગર-1, 2, 3 અને નીલકંઠ વિસ્તાર સહિતના વિસ્તારવાસીઓને બ્રિજ ફરવાનો મોટો ફેરો થતો હોય સોમવારે સાંજે આ વિસ્તારની મહિલાઓ ફાટક ખોલવાની માંગ સાથે રેલ રોકો આંદોલન માટે પાટા પર બેસી જતા ચાર પોલીસ સ્ટેશનની પોલીસ દોડી આવી હતી અને સમજાવટથી હાલ પૂરતો મામલો થાળે પાડ્યો હતો.
શહેરના ધોરાજી રોડ પર છેલ્લા પાંચેક વર્ષથી રેલ્વે ફાટક પર ફ્લાયઓવરના નિર્માણનું કામ ચાલુ હતું. આ ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં દિવાળીના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ સાથે જ રેલ્વે ઓથોરિટી દ્વારા ફાટક કાયમ માટે બંધ કરી દીધું. ફાટક બંધ થતાં જ ફાટક બાદ આવેલ આઠથી દસ જેટલી સોસાયટીના રહેવાસીઓએ તેના વિસ્તારમાં અવરજવર માટે ફ્લાયઓવર પૂર્ણ કરી સર્વિસ રોડ પરથી ફરીને જવું પડે છે. અને બીજું ફાટક બંધ થતાં સ્થાનિકોને અવરજવર માટે રીક્ષા ભાડું પેલા વીસ રૂપિયા હતા તે હવે 100 રૂપિયા થઈ ગયા. કેમકે ફ્લાયઓવર પૂર્ણ કરીને જવું પડતું હોય અને રીટર્ન ભાડું પણ મળતું ન હોય રીક્ષા ચાલકોએ ભાડું વધારી દીધું.
સ્થાનિકો ફ્લાયઓવર પરથી જવામાં ત્યાં અકસ્માતનો મય રહેલો છે કેમકે ફ્લાયઓવર પરથી વાહનો પુરપાટ ઝડપે પસાર થાય છે એટલે સર્વિસ રોડ પર ચડાવ ઉત્તર બંનેમાં અકસ્માત સર્જાય શકે અને બાળકો તો એકલા સ્કૂલે જવા આવવા ફ્લાયઓવર પરથી પસાર પણ નથી થઈ શક્તા. અને સ્થાનિકો કોઈ બીમાર થાય તો તેઓને હોસ્પિટલ લઈ જવા માટે પણ મુશ્કેલી ઉભી થાય છે. આટલી મુશ્કેલીઓ હોવાથી સ્થાનિકોએ રેલ્વે તંત્રને તેમજ સ્થાનિક ધારાસભ્યને ફાટક ખોલવાની રજુઆત કરી હતી. તેમ છતાં ફાટક અને રેલ્વે ઓથોરિટી દ્વારા કઈ પગલાં ન લેવાતા આજે ફાટક બાદના વિસ્તારની મહિલાઓ રેલ્વેના પાટા પર બેસી ફાટક ખોલવાની માંગ સાથે રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું.
- Advertisement -
ટ્રેન આવવાનો સમય હોઇ, પોલીસના ધાડા ઉતરી પડયા
ટ્રેન આવવાની જ હોય સ્થાનિક પોલીસ તંત્રને જાણ થતાં જેતપુર સીટી, ઉદ્યોગનગર, તાલુકા અને રેલ્વે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતાં. અને આંદોલન કરનારી મહિલાઓ જ હોય ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસને પણ બોલાવી લેવાઈ હતી. અને મહિલાઓને પોલીસ દ્વારા જે કઈ રજુઆત હોય તે પાટા પરથી ઉઠી બાજુમાં આવીને કરો તેમ સમજ આપી રેલ રોકવી તે ગંભીર પ્રકારનો ગુનો હોવાનું પણ સમજાવતા મહિલાઓ પાટા પરથી હટી ગઈ હતી.



