ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ શહેરમાં ડિમોલિશનની ગુંજ ઉઠી છે. સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે પાલિકા અને વહીવટી તંત્રએ કાર્યવાહી શરૂ કરી હોવાની ચર્ચાઓ છે. દ્વારકાની જેમ પોરબંદરમાં પણ મોટા પાયે ડિમોલિશનની તૈયારી ચાલી રહી છે, જેમાં કેટલાંક વિસ્તારોમાં નોટિસ પાઠવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
પોરબંદર શહેરમાં પેશકદમીના સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શહેરના ખાડીકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં પેશકદમી કરાઈ હોવાને કારણે તંત્રએ તેના નિર્મૂલન માટે કામગીરી હાથ ધરી છે. કેટલાક વિસ્તારોમાં નોટિસ પાઠવી દેવામાં આવી છે, પરંતુ સત્તાવાર રીતે હજુ કોઈ જાહેરનામું બહાર આવ્યું નથી. ડિમોલિશન પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિક નાગરિકો અને રાજકીય આગેવાનો દ્વારા એ માંગ ઉઠી રહી છે કે જે લોકોને સ્થળાંતર કરવાનું પડશે, તેમને પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવી જોઈએ. શહેરના કેટલાક વિસ્તારોમાં વર્ષોથી સ્થિર રહેલા પરિવારો માટે આ નિર્ણયો ચિંતાનો વિષય બની રહ્યા છે.
- Advertisement -
વર્ષો જૂનાં બાંધકામો હટાવવામાં આવશે?
ગત ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાને કારણે પેશકદમીને કારણે સમસ્યા ઊભી થઈ હતી. જો તંત્ર તેને ધ્યાને રાખીને જૂના બાંધકામો દૂર કરવાનો નિર્ણય કરે, તો આગામી સમયમાં પોરબંદરમાં મહત્ત્વના વિસ્તારોમાં બુલડોઝર ચાલતા જોવા મળશે.