કાતિલ દોરીથી 10 લોકો પણ ઈજાગ્રસ્ત થયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઉતરાયણ નિમિતે લોકોની પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે મોતની સજારૂપ સાબિત થઈ હતી જેમાં પતંગની કાતિલ દોરીથી કુલ 86 જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા તો એમાંથી 10 જેટલા પક્ષીઓ મૃત્યુ પણ પામ્યા હતા જ્યારે પતંગની ઘાતક દોરીથી 10 લોકો પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. મોરબીમાં ઉતરાયણના દિવસે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું તો બીજી તરફ ઘાતક દોરીથી ઘણા પક્ષીઓ ઘાયલ પણ થયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન 1962 અને વન વિભાગ તંત્ર તેમજ મોરબીની કર્તવ્ય જીવદયા કેન્દ્ર નામની સંસ્થા દ્વારા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેની પાસેથી મળતી માહિતી મુજબ ઘાતક દોરીથી 86 જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા. આ ઘાયલ પક્ષીઓમાંથી 10 પક્ષીઓના મોત પણ થયા હતા અને અમુક પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત આકાશમાં વિહરતા કરી દેવામાં આવ્યા હતા જ્યારે ઉતરાયણના દિવસે ઘાતક દોરીથી ગળામાં ઇજા, હાથના આંગળામાં ઇજા, ઝાડ ઉપરથી પતંગ ઉડાડતી વખતે પડી ગયા હોય એવા દસેક લોકોને ઈજા થઇ હોવાથી આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોરબીમાં ઉત્તરાયણના દિવસે ઘાતક દોરીથી 86 જેટલા પક્ષીઓ ઘાયલ, 10ના મૃત્યુ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/birds.jpeg)