ગિરનાર પર કાયમી પાણી સમસ્યા મુદ્દે વેપારીઓ અડગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર પાણી સમસ્યા મુદ્દે 130 જેટલા વેપારી ભાઇઓ દ્વારા આજે ત્રીજા દિવસે પણ પોતાના રોજગાર ધંધા બંધ પાડીને હડતાળ ચાલુ રાખી હતી અને તંત્ર પાસે ગીરનાર પર પાણીની વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી.
ગીરનાર વેપારી એસોસીએશન પાણી સમસ્યા મુદ્દે લડી લેવાના મુડમાં છે ત્યારે આજે ત્રીજા દિવસે ગિરનાર સીડી પર આવેલ તમામ દુકાનો બંધ રાખીને કાયમી પાણી સમસ્યા હલ કરવાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગિરનાર પર્વત પર આવતા યાત્રીકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા જે રીતે હાઇકોર્ટના આદેશ બાદ ગિરનાર પર પ્લાસ્ટીકની પાણી બોટલ સહીત પ્લાસ્ટીકની ચીજ વસ્તુ બંધ કરવાના આદેશ બાદ વેપારીઓ રોષે ભરાયા છે અને જયા સુધી વેપારીઓને કાયમી રીતે પાણી સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી પોતાના ધંધા રોજગાર બંધ પાડીને હડતાળ ચાલુ રાખશે.