મોડી રાત્રે બારીમાંથી મકાનમાં ઘૂસી આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો
આરોપીએ 1.39 લાખનું સોનું લીધુ હતું, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના અવધ રોડ પર આવેલા ડેકોરા હાઈલેન્ડ ટાવરમાં ઘૂસી રૂપિયા દોઢ લાખની ચોરી કરનાર આશિષ ચૌહાણની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.
અવધ રોડ પર આવેલા અમિતભાઈ ધીરજલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 22-10ના રોજ કોઈ અજાણ્યો શખ્સે રાત્રે 1 કલાકે ઘરમાં પ્રવેશીને દોઢ લાખની ચોરી કરી છે. જેની ફરિયાદ લોધિકા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જો કે, ત્યાં ગુનો અનડિટેક્ટ રહેતા આ કેસ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા મકાનમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા માલૂમ પડ્યું કે, ચોર રૂમની બારીમાંથી અંદર પ્રવેશ્યો હતો અને પર્સ લઈને બહાર આવ્યો. સીસીટીવીમાં જોતા જાણવા મળ્યું કે, આ ચોર અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે જેનું નામ આશિષ ચૌહાણ ઉર્ફે આશીયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપવા માટે તમામ ટીમ કામે લગાડી દીધી હતી. બાતમીદારો દ્વારા હકીકત મળતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લોધિકા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
આરોપીએ ધનતેરસના દિવસે 1.39 લાખનું સોનું લીધુ હતુ જ્યારે 10 હજાર વાપરી નાખ્યા હતા અને અન્ય રકમ પાન માવાની દુકાને બાકી હોવાથી ત્યાં આપી દીધા હતા. આમ આરોપીએ ખરીદેલું સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.