પોરબંદર-માંગરોળ હાઇવે પરથી 48.90 લાખના દારૂ કેસમાં ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પોરબંદર-માંગરોળ હાઇવે પરથી ઝડપાયેલા રૂ. 48.90 લાખના વિદેશી દારૂના કેસમાં ગણતરીના દિવસોમાં જ મોટો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગત તા. 4 ડિસેમ્બરની રાત્રે ક્રાઈમ બ્રાન્ધના સ્ટાફે માંગરોળ નજીક વરામ બાગ પાસેથી યુપી 42 ડીટી 3189 નંબરના ટ્રકમાંથી રૂ. 48.90 લાખની કિંમતની 5544 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અફઝલઅલી સફતઅલી મન્સુરી ઉ.પ્રદેશના સિદ્ધાર્થનગરનો વતનીની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂ. 69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આપેલી માહિતી મુજબ, પીએસઆઈ ડી.કે. સરવૈયાની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના દિવસોમાં દારૂ મંગાવનાર અને ભરાવનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી અસલમ આમદ પટેલિયા (રહે. શેરીયાજબારા, મિતુલ દોલુભાઈ દયાતર રહે. અવાણીયા, માળીયાહાટીના, અતુલ દાનાભાઈ દયાતર કોન્સ્ટેબલ, માંગરોળ મરીન પોલીસ સ્ટેશન, દેવશી નથુભાઈ નંદાણીયા રહે. લોએજ, માંગરોળ આ તમામ આરોપીઓની અટકાયત કરી ગુરુવાર બપોર સુધી એક દિવસના રિમાન્ડ પર મેળવી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણીથી ચકચાર મચી છે.



