ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા-જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન
સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનના લાભાર્થે તા. 23થી રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથા
- Advertisement -
ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરાઈ
ઉતારા માટે રજિસ્ટ્રેશન કથાસ્થળ, રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પાસે તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી મોડી રાત સુધી ચાલુ રહેશે: કથા દરમિયાન પણ રજિસ્ટ્રેશન ચાલું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ ગ્રહણ કરશે.
ત્યારે આ રાજકોટના આંગણે આ ભવ્યાતિભવ્ય આયોજનને આખરીઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર- જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહ્યો છે ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહેમાનોને રહેવાની (ઉતારા)ની વ્યવસ્થા અંતર્ગત સાધુ-સંતો, વી.આઈ.પી. મહેમાનો, કલાકારો, સંગીતકારો સહિત ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
આ રામકથા દરમિયાન વિવિધ સામાજિક- સેવાકીય સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહ્યા છે. જેમાં દેશ-વિદેશથી રામકથા શ્રવણ કરવા આવનાર ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થા માટે આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણીની ટીમ દ્વારા ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તા સહિત ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્ર્વિક રામકથા સદ્ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશીપ, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની પાછળ, સોરઠીયાવાડી, 80 ફૂટ મેઈન રોડ, રાજકોટ ખાતે ઉતારો રાખવામાં આવ્યો છે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા તથા ત્રણેય ટાઈમ જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.
રામકથા દરમિયાન બહારગામથી આવેલા ભાવિકો માટે ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણી, પંકજભાઈ ચગ, સુધીરભાઈ પટેલ, હસુભાઈ સોની, અજયભાઈ જાદવ, મનસુખભાઈ પટોળીયા, પાર્થભાઈ સોજીત્રા, રમેશભાઈ પંડ્યા, પ્રદિપભાઈ રાણપરા, ચંદ્રેશભાઈ પરમાર, રમેશભાઈ દોમડીયા, ભરતભાઈ ચાવડા, દિલીપભાઈ ત્રિવેદી, સુનીલભાઈ બક્ષી સહિતના સંભાળી રહ્યા છે.
વધુમાં માહિતી આપતાં આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ અને શૈલેષભાઈ ભીમાણીની ટીમે જણાવેલ હતું કે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે ત્યારે કથાશ્રવણ માટે બહારગામથી લાખો ભાવિકો ઉમટી પડવાના છે ત્યારે આ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેરના વિવિધ સ્થળોએ તેમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં ભાવિકોને રહેવા-જમવા-ચા-પાણી અને નાસ્તાની સુવિધાની સાથોસાથ કથા સ્થળ સુધી લેવા-મૂકવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉતારામાં તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી જ મોડી રાત સુધી ચાલુ રહેશે, જેમાં ઉતારા માટેનું રજિસ્ટ્રેશન કથા સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પરથી જ થશે તેમજ કથા દરમિયાન ચાલુ દિવસોમાં પણ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. રજિસ્ટ્રેશન માત્ર કથાસ્થળ ઉપર જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જણાવેલું હતું. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે કિરીટ ગોહેલ, હસુભાઈ સોની, પંકજભાઈ ચગ, અજયભાઈ જાદવ, રમેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ ભીમાણી આવ્યા હતા.