જૂનાગઢ દાતાર જંગલમાં ચંદન ચોરીનો પ્રયાસ નિષ્ફળ
આરોપીઓ દ્વારા સ્ટાફ પર ફેંકવામાં આવ્યા હથિયાર
સ્થળ પરથી ચંદનના ઝાડ કપાયેલા મળી આવ્યા, મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢના દાતાર જંગલ વિસ્તારમાં ચંદન ચોરીનો એક ગંભીર પ્રયાસ વન વિભાગની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી નિષ્ફળ ગયો. ગત રાત્રે લગભગ બે કલાકના સમયે દાતાર સીડી વિસ્તફારમાં ફરજ પર રહેલા વનવિભાગના સ્ટાફને ઝાડ કાપવાની અવાજ સંભળાતાં તપાસ કરતાં ચંદનના ઝાડને બે શખ્સો કુવાડી અને કરવત વડે કાપતાના જોવા મળ્યા હતા.
આ બનાવ વન વિભાગ માટે ચિંતાનું કારણ બની રહ્યો છે કારણ કે દાતાર ટેકરી સહિત સમગ્ર ગીર પર્વતશ્રેણી ચંદન જેવી કિંમતી પ્રજાતિ ધરાવતું જૈવિક-પરિસર છે અને અવારનવાર અહીંથી ચોરીના પ્રયાસો થાય છે. દાતારનું સ્થાન ધાર્મિક અને પર્યટકની દ્રષ્ટિએ પણ અતિ મહત્વ ધરાવે છે, તેથી અહીં થતી આકસ્મિક કટિંગની ઘટના વન વિભાગ માટે ગંભીર ચેતવણી રૂપ બની છે. ચંદન ચોરીના સ્થળ પરથી અવાજ આવતાં જ વન વિભાગના પ્રાથમિક સ્ટાફે ઉચિત પગલાં લેતાં તરત જ આરએફઓનો સંપર્ક કર્યો હતો અને વધુ સ્ટાફ મોકલવા માટે જણાવાયું હતું. બાદમાં આ ઘટના અંગે નાયબ વન સંરક્ષક અક્ષય જોશીને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક જગ્યાએ 14 થી 15 જેટલાં વનકર્મીઓને મોકલી આપ્યા હતા. સ્થળ પર પહોંચેલા વધારાના સ્ટાફે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તસ્કરોને પકડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરોને વન વિભાગની ગતિવિધીની જાણ થતાં જ આરોપીઓ ભાગતા હતા અને તેનો પીછો કરતા સ્ટાફ પર તેઓએ પોતાના હથિયાર તરીકે રહેલી કુવાડી અને કરવત ફેંકી દીધા હતા. પરંતુ ભારે વરસાદ અને ઘનઘોર જંગલના કારણે આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
સ્થળ પર તપાસ દરમ્યાન વન વિભાગને આશરે 6 થી 7 જેટલાં ચંદનના ઝાડ કાપેલા હાલતમાં જોવા મળ્યા હતા. આ સિવાય, તસ્કરો દ્વારા છોડાયેલી એક ધારદાર કુવાડી તથા કરવત પણ સ્થળ પરથી જ કબ્જામાં લેવામાં આવી હતી. આ પુરાવાઓ આધારિત તપાસ માટે જમા કરાવવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગ દ્વારા વરિષ્ઠ અધિકારી ડીસીએફને તાત્કાલિક કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન મુજબ વિસ્તારના તમામ માર્ગો અને બહાર નીકળવાના માર્ગો પર તાકીદે નાકાબંધી કરાઇ હતી. અંદાજે 25 જેટલાં વધુ સ્ટાફને તાત્કાલિક સ્થળ પર બોલાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
વન વિભાગના સંકલનથી આસપાસના વિસ્તારો ખાસ કરીને દાતારની પાદરા, જંગલ બોર્ડર, આરામથાંભલા, ઝીંડાવાવ તરફના માર્ગો, અને આરામગૃહ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. રાત્રિ દરમ્યાન સવારે 6 વાગ્યા સુધી અલગ અલગ ટુકડીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી. જિલ્લાની મુખ્ય પરિવહન જગ્યાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી વાહન વ્યવહાર પર પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આવા પ્રકારના કાયદાભંગના પ્રયાસ સામે વન વિભાગ સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવાનો સંકલ્પ રાખે છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
- Advertisement -
ચંદનના લાકડાની બજાર કિંમત અને તેનો ઉપયોગ
ભારતીય સફેદ ચંદન રૂ,8,000 થી 15,000 પ્રતિ કિલોગ્રામ અંદાજે ભાવ જોવા મળે છે આ કિંમત લાકડાંની ગુણવત્તા, ભેજની માત્રા અને કટિંગની પદ્ધતિ પર આધાર રાખે છે. જયારે સારી ગુણવત્તાવાળું હાર્ટવૂડ રૂ.12,000 થી 18,000 કિ.ગ્રા સુધી પહોંચી શકે છે. તેમજ એશિયાઈ બજારમાં ચંદનનું તેલ રૂ.1,50,000 થી 2,50,000 પ્રતિ લિટર ભાવ જોવા મળે છે. તેની સાથે પૂજા અને યજ્ઞમાં ચંદનનો તિલક અને લાપસી તરીકે ઉપયોગ થાય છે. મંદિરોમાં સુગંધ માટે ધૂપના રૂપમાં વપરાય છે. ચંદનનો સુગંધિત તેલ ઘણા નામી પરફ્યુમમાં તરીકે વપરાય છે. તથા ચંદનનો ઉપયોગ ત્વચા ના રોગ, તાવ, દુ:ખાવા, ચિંતા નિવારણ અને શાંતિદાયક દવાઓમાં થાય છે. ચંદનનું પેસ્ટ ગરમીમાં થંડક આપવાનું કામ કરે છે. તેમજ ચંદનના લાકડાથી મૂર્તિઓ, હારમાળા, માળા, આરતી થાળીઓ અને અન્ય ધાર્મિક વસ્તુઓ બનાવવામાં આવે છે.