ટંકારા-પડધરી બેઠક પર દુર્લભજીભાઈને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા રબારી સમાજ મેદાને
દુર્લભજીભાઈના ભવ્યાતિભવ્ય વિજય માટે રાત દિવસ એક કરવાનો સમાજ શ્રેષ્ઠીઓનો કોલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ ઉમેદવારી નોંધાવ્યાના બીજા જ દિવસે તેમના મતક્ષેત્રમાં વીજળીવેગી પ્રવાસ શરૂ કર્યો હતો. હાલ જ્યારે તેઓ ટંકારા પડધરી મત વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તમામ ગામોમાંથી તેમને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. જે જે ગામોમાં તેમના પ્રવાસનું આયોજન થાય છે ત્યાં ગામના સરપંચ સહિતના આગેવાનો, વિવિધ જ્ઞાતિના મંડળો, ખેડૂત અગ્રણીઓ તરફથી તેઓને મીઠો આવકાર તો મળી જ રહ્યો છે સાથોસાથ અનેક અગ્રણીઓ ભાજપમાં ભળી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના સંયોજક અમિતભાઈ રબારીની આગેવાનીમાં હિરાભાઇ રબારી, નાનજીભાઈ રબારી, રવિભાઈ રબારી, સંતોષભાઈ રબારી, ધવલભાઈ રબારી, જીતેન્દ્રભાઈ રબારી સહિત 100 જેટલા રબારી સમાજના આગેવાનોએ દુર્લભજીભાઈના સમર્થનમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો અને દુર્લભજીભાઈની ભવ્ય જીત માટે રાત દિવસ એક કરવાનો કોલ આપ્યો હતો.
ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને તમામ જ્ઞાતિ સમાજ અને વિવિધ સંસ્થાઓ તરફથી વ્યાપક જન-સમર્થન મળી રહ્યું છે ત્યારે મોરબીના રબારી સમાજના આગેવાનો સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ માલધારી સમાજને અત્યાર સુધી ખૂબ જ સહાય કરી છે તેનો યોગ્ય બદલો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળે તે માટે માલધારી સમાજના તમામ યુવાઓ જહેમત ઉઠાવશે. ખાસ કરીને વર્ષોથી માલધારી સમાજ અને ભાજપ એકબીજાના પર્યાય બનીને સામે આવ્યા છે તે જોતા 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ માલધારી સમાજ ટંકારા બેઠક પર કમળને ખીલવવામાં કોઈ કોર કસર રાખશે નહીં. આ બેઠકમાં રબારી સમાજના આગેવાન વાલાભાઈ જીવાભાઈ ખાંભલા, મહેશભાઈ રબારી, ભુવાશ્રી સવાઆતા, કાનજીભાઈ રબારી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારા-પડધરી બેઠક પર દુર્લભજીભાઈનો વિજય નક્કી: અમિત રબારી
આ તકે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા અમિતભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ટંકારા પડધરીના ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈના સમર્થનમાં અમે અમારી પૂરી ટીમ સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. દુર્લભજીભાઈએ રબારી સમાજને હર હંમેશ માટે સાથ સહકાર આપ્યો છે ત્યારે આ વખતે દુર્લભજીભાઈને જીતાડવામાં અમે કોઈ કસર નહીં છોડીએ તેમજ પૂરી તાકાત અને ભવ્ય લીડ સાથે દુર્લભજીભાઈ વિજય મેળવીને ગાંધીનગરમાં ટંકારા-પડધરી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.