કાર ભટકવા જેવી બાબતે બંને જૂથોના સભ્યોએ આખુંય શહેર બાનમાં લીધું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં હત્યા, બળાત્કાર, લૂંટ, ચોરી અને જૂથ અથડામણો જેવી ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવે છે ત્યારે ફરી એક વખત ધ્રાંગધ્રા શહેરની શાંતિ ડહોળવા કેટલાક ઈસમો દ્વારા ગત મોડી રાત્રે માથાકુટ સર્જી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા નરશીપરા વિસ્તારમાં રહેતા બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુ:ખ ચાલે છે તેવામાં ગઈ કાલે સાંજે બન્ને જૂથોના સભ્યોની ગાડી સામસામે ભટકવાની બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને બાદમાં આ માથાકુટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બંને જૂથો હથિયારો લઈને નીકળી પડ્યા હતા. આ દરમિયાન અનેક વાહનોને નુકશાન પણ કરવામાં આવ્યું હતું જેમાં નરશીપરા વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ કારના કાચ તોડી નુકશાન કરવાના બનાવો સામે આવ્યા છે. જોકે પોલીસને આ અંગેની જાણ થતા તત્કાલિક સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવ્યો હતો. જે બનાવને લઈને આખાય શહેરમાં રાત્રીના સમયે ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ અને કર્ફ્યૂ જેવું વાતાવરણ નજરે પડ્યું હતું. આ અંગેના બનાવમાં સ્થાનિક પોલીસે કુલ ત્રણ કારણે કબ્જે લીધી હતી જેના એક કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગત દિવાળીના પર્વ નિમિતે માથાકુટ થઈ હતી જેમાં ફાયરિંગની ઘટના પણ બની હતી ત્યારે એક તરફ રાજ્યમાં ગુન્હેગારો ડામવા માટેના જે પ્રકારે પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં હજુય આ પ્રકારના ગુન્હેગારો ખુલ્લેઆમ બેખોફ માથાકુટ સર્જી આખાય શહેરમાં દહેશત પેદા કરી રહ્યા છે.