વરાહા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના વાહનો ફિટનેસ અને વીમા વગર દોડતા હોવાનો આક્ષેપ; ખનીજ ચોરીના પણ ગંભીર આરોપ, તપાસની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
- Advertisement -
જેતપુર ટોલ પ્લાઝાથી રાજકોટ સુધી ચાલી રહેલી સિક્સલેન રોડની કામગીરી વિવાદમાં સપડાઈ છે. સામાજિક કાર્યકર દીપક ભાસ્કરે આરટીઓ અને સત્તાધીશોને લેખિત રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે, કામ કરી રહેલી વરાહા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની દ્વારા આરટીઓ અને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે સામાન્ય જનતાને હેરાન કરતી આરટીઓ પોલીસ આ કોન્ટ્રાક્ટર કંપની સામે મૌન સેવી રહી છે. જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના વાહનો જપ્ત થઈ શકે તેમ છે. છતાં સત્તાવાળાઓ આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યા છે.
રજૂઆતમાં કરાયેલા મુખ્ય આક્ષેપો
નિયમ વિરુદ્ધના વાહનો: કામગીરીમાં વપરાતા ડમ્પર, જેસીબી અને ટ્રક જેવા વાહનો આરટીઓ પાસિંગ વગરના અને સ્ક્રેપમાંથી સ્પેરપાર્ટ્સ જોડીને બનાવાયેલા છે.
લાયસન્સ અને વીમાનો અભાવ: મોટાભાગના વાહનોના વીમા ઉતરાવેલા નથી અને બિનઅનુભવી ડ્રાઈવરો લાયસન્સ વગર વાહનો ચલાવી રહ્યા છે.
ખનીજ ચોરી: સિક્સલેન રોડના નામે આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે મોટાપાયે ખનીજ ખનન કરવામાં આવી રહ્યું છે.
જાહેર મિલકતને નુકસાન: બેદરકારીભર્યા કામને લીધે પાણીની લાઈનો અને કેબલોને નુકસાન થતા કામમાં વિલંબ થઈ રહ્યો છે.



