(અંતિમ ભાગ)
(ગતાંકથી ચાલુ) ગયા અઠવાડિયે આપણે જોઈ ગયા કે, કઈ રીતે દેવ-દાનવ વચ્ચે સમુદ્રમંથન થયું. મંદરાચલ પર્વતને કૂર્મ અવતારે પોતાની પીઠ પર ઉઠાવીને ક્ષીરસાગરનુ6 મંથન કરવાનું શરૂ કર્યુ, ત્યારબાદ ક્ષીરસાગરમાંથી જે કંઈપણ પ્રાપ્ત થયું એ અવિશ્વસનીય હતું.
- Advertisement -
– પરખ ભટ્ટ
(1) કામધેનુ : ઇચ્છાપૂર્તિ કરે એવી ગાય, જેને ભગવાન વિષ્ણુ વૈકુંઠ લઈ ગયા.
(2) ઉચ્છૈશ્રવા : શ્વેત રંગનો સાત મોઢા ધરાવનાર અશ્વ, જેનાં પર દૈત્યરાજ બલિએ આધિપત્ય જમાવ્યું.
(3) ઐરાવત : સ્વર્ગાધિપતિ ઇન્દ્રનો ત્રણ મુખ ધરાવતો હાથી.
(4) પારિજાત : સ્વર્ગમાં સુગંધ ફેલાવનાર વૃક્ષ.
(5) વરૂણી : રાક્ષસોને સોંપવામાં આવેલી મદિરાપાનની દેવી.
(6) ચંદ્ર : હળાહળની અસરને ઓછી કરવા માટે મહાદેવની જટા પર બિરાજમાન સોમદેવ.
(7) અપ્સરા : દેવ અને દાનવોને સરખે ભાગે વહેંચવામાં આવેલી અતિ સુંદર સ્ત્રીઓ/નૃત્યાંગનાઓ. (જેમકે, મેનકા અને રંભા)
(8) કૌસ્તુભ : શ્રી વિષ્ણુની છાતી પર શોભી રહેલો મણિ.
(9) કલ્પવૃક્ષ : કોઇપણ જીવની ઇચ્છાપૂર્તિ કરી આપતું વૃક્ષ.
(10) ધનવંતરી : આયુર્વેદનાં પ્રણેતાદેવ.
અને અંતે, ધનવંતરીનાં હાથમાં દેખાઈ રહેલો અમૃતનો ઘડો દૃશ્યમાન થયો! દેવ-દાનવોની આંખો ચમકી ઉઠી. જેનાં માટે આટઆટલી જહેમત ઉઠાવી, એ આખરે નજર સમક્ષ તરી રહ્યું હતું કદીય મૃત્યુ ન પામવા દે એવું દૈવીય પીણું, અમૃત! ધનવંતરીનાં હાથમાંથી ઘડો છીનવી લેવા માટે દેવતા અને રાક્ષસો વચ્ચે ઘમાસાણ મચી ગયું. આખરે દૈત્યો આ રમતમાં ફાવી ગયા અને ધનવંતરીનાં હાથમાંથી ઘડો છીનવીને દોટ મૂકી!
શા માટે કુંભનો મેળો ચાર અલગ-અલગ સ્થળોએ ભરાય છે એની પાછળનાં મૂળ કારણ અંગે પૌરાણિક કથાઓમાં મતમતાંતર છે. એવું માનવામાં આવે છે કે, દેવતાઓથી અમૃત દૂર રાખવા માટે દૈત્યોએ પૃથ્વીનાં ચાર સ્થળો પર તેનાં અંશ છુપાવ્યા. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક! આ ચાર જગ્યાઓએ અમૃતનાં બૂંદ પડ્યા હોવાનું મનાય છે. બીજે એક કથા મુજબ, ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ દૈત્યો પાસેથી અમૃતકુંજ છીનવીને આકાશમાં વિહાર કરી રહ્યું હતું એ વેળાએ એમાંથી ચાર બૂંદ જમીન પર પડી, જ્યાં આજે કુંભ મેળો ભરાય છે. હજારો વર્ષ વીતી ગયા હોવા છતાં પણ શ્રદ્ધાળુઓ માને છે કે, કુંભનાં મેળામાં સ્નાન કરવાથી મોક્ષપ્રાપ્તિ અવશ્ય થાય છે.
- Advertisement -
વાત અહીં પૂરી નથી થતી. દાનવોથી અમૃતની રક્ષા કરવાનું વચન આપી ચૂકેલા ભગવાન વિષ્ણુ ત્યારબાદ અત્યંત સુંદર અને કામણગારી સ્ત્રી ‘મોહિની’ અવતાર ધારણ કરે છે, જેની પાછળ દૈત્યો મંત્રમુગ્ધ બની જાય છે. તેઓ મોહિનીને પ્રાપ્ત કરવા માટે એટલી હદ્દે બેબાકળા બને છે કે અમૃતની આખી ઘટના થોડા સમય માટે વિસરાઈ જાય છે. પોતાનાં નૃત્ય દ્વારા દાનવોને મોહપાશમાં બાંધી ચૂકેલી મોહિની ધીરે ધીરે એમને જાળમાં ફસાવવાનું શરૂ કરે છે. દેવ-દાનવોને એક જગ્યાએ એકઠા કરીને તેમને જણાવે છે કે દૈત્યો મહાન છે આથી તેમની ગરિમા જળવાવી જ જોઇએ. અમૃત પર માત્ર દેવોનો અધિકાર ન હોવાને લીધે તેની વહેંચણી બંનેમા સમાનપણે થશે! પરંતુ અમૃતકુંજમાં રહેલ પેયનો ઉપરનો પ્રવાહી ભાગ તદ્દન પાતળો અને ઓછા કસવાળો હોવાથી તે દેવોને આપવો જોઇએ અને નીચેનાં (તળિયાનાં) ઘટ્ટ ભાગનું પાન અગર દાનવો કરશે તો તેઓ વધુ ફાયદામાં રહેશે. અને બીજું એ પણ કે, દેવતાઓ અહીં મહેમાન છે આથી તેમને અમૃત પહેલા પીરસાવું જોઇએ! મોહિનીનાં સંમોહનમાં પડી ગયેલા દાનવોએ ઝાઝી બુદ્ધિ ન ચલાવી. તુરંત જ મોહિનીનાં કહ્યા પ્રમાણે હા માં હા ભેળવી દીધી! દેવતાઓએ અમૃતપાન કરવાનું શરૂ કર્યુ. સામે પક્ષે, ગુરૂ શુક્રાચાર્ય દ્વારા નીમવામાં આવેલા દૈત્ય સ્વરભાનુને મોહિનીની વાસ્તવિકતાનો અંદાજ આવી ગયો. તેને જાણ થઈ કે દાનવોને છેતરવામાં આવી રહ્યા છે. દેવતાઓની પંગતમાં બેસીને એણે પોતાની જાતને દાનવ ન ગણાવતાં દેવ ગણાવી! કોઇને ખ્યાલ ન આવ્યો, અને સ્વરભાનુ પણ દેવતાઓની સાથે અમર બની ગયો! સૂર્યદેવ અને ચંદ્રદેવને થોડીવાર બાદ સ્વરભાનુનાં છળકપટ વિશે ખબર પડી. તુરંત દેવી મોહિનીને તેમણે આ વિશે જાણ કરી. ભગવાન વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્ર વડે સ્વરભાનુનાં બે ટુકડા કરી નાંખ્યા, પરંતુ મોડું થઈ ચૂક્યું હતું. સ્વરભાનુ તો અમર થઈ ગયો હોવાથી તેનું મૃત્યુ શક્ય નહોતું. આથી સુદર્શન ચક્ર વડે થયેલા બે ટુકડાઓમાં તેનાં માથાનાં ભાગને ‘રાહુ’ નામ અપાયું અને ધડને ‘કેતુ’! બંને ભાગોનો સમાવેશ નવગ્રહમાં થઈ ગયો. ક્રોધે ભરાયેલો રાહુ સૂર્ય અને ચંદ્રને ગળી ગયો હોવાથી શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટના ઘટી હોવાનો ઉલ્લેખ છે.
આ કારણોસર જ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં અપવિત્ર ઘટનાઓ ગણવામાં આવે છે!
દેવતાઓને અમૃત પીવડાવ્યા બાદ જ્યારે કુંજ ખાલીખમ થઈ ગયો ત્યારે છેક કાલકેતુને સમજમાં આવ્યું કે તેમની સાથે દગો થયો છે. ભગવાન વિષ્ણુ અને દેવતાઓએ ભેગા મળીને તેમની સાથે છળ કર્યુ છે. કાલકેતુએ મોહિનીનો વધ કરવા માટેનો પણ પ્રયાસ કર્યો પરંતુ મોહિની તાબડતોબ પોતાનાં વાહન ગરૂડ પર સવાર થઈને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. શુક્રાચાર્ય પણ અત્યંત રોષે ભરાયા હતાં. પરંતુ તેમને ગુસ્સો દેવો પર નહીં, દાનવો પર આવી રહ્યો હતો. શા માટે મોહિનીનાં ચક્કરમાં પડીને દાનવોએ અમૃત પરથી ધ્યાન હટાવ્યું એ પ્રશ્ન તેમને વારંવાર અજંપો અપાવી રહ્યો હતો. તેમનાં ગુસ્સાનું કારણ પણ એ જ હતું. નિષ્ફળ થઈ ચૂકેલા દૈત્યો પાસે હવે સ્વર્ગ છોડી દેવા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો.
સમગ્ર દાનવસેના સાથે શુક્રાચાર્ય પણ ફરી પાતાળલોકમાં આવીને વસી ગયા.
પુરાણોમાં સંજ્ઞાત્મક અને કથા સ્વરૂપે એવી ઘણી વાતો કહેવામાં આવી છે, જે કુંભનાં વૈજ્ઞાનિક મહત્વને પણ ઉજાગર કરે છે. માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ બૌદ્ધ, શીખ, જૈન અને દક્ષિણ એશિયાનાં તમામ પ્રમુખ ધર્મોમાં આ અંગે વિસ્તારપૂર્વકનાં વર્ણનો અપાયા છે. એક માન્યતા એ છે કે, કુંભનાં સમય દરમિયાન સમુદ્રમંથન વખતે જમીન પર પડેલી અમૃતની બૂંદ સક્રિય થતી હોવાને કારણે ગંગાસ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષપ્રાપ્તિ સરળ બને છે. સમગ્ર વિશ્વમાંથી કુંભમાં શાહીસ્નાનનો લુત્ફ ઉઠાવવા માટે શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ
આવે છે.
ગંગાનાં પાણીમાં પુષ્કળ અશુદ્ધિઓ અને પ્રદૂષણ હોવા છતાં ભક્તો અહીં નિશ્ચિંતપણે ડૂબકી લગાવીને પોતાનો ઉદ્ધાર થાય એવી પ્રાર્થના કરે છે. અમુક ખાસ દિવસો શાહી સ્નાન માટે ફાળવવામાં આવ્યા છે. સૂર્યોદય થતાંની સાથે જ સાધુઓની ટોળકી ગંગામાં સ્નાન કરવા માટે ઉતરી જાય છે. આજેપણ કેટલાક લોકો સ્પષ્ટપણે એવું માને છે કે કુંભ દરમિયાન આપણી ધરતીનું વાતાવરણ અને પૃથ્વીની ગ્રહદશાનાં સમન્વયને કારણે અમૃત જાગૃત થાય છે, જે શાહીસ્નાન કરનારમાં પવિત્રતાનો પ્રાદુર્ભાવ કરે છે!
તદુપરાંત, એ તો સર્વસ્વીકાર્ય બાબત છે કે ગંગામાં સ્નાન લેવાથી કેટલાય પ્રકારનાં રોગોનું નિદાન થઈ જાય છે. દુનિયાભરનાં ગુરૂઓ, ભક્તો, સંત-મહાત્માઓ પ્રયાગરાજ આવે છે. તેઓ માને છે કે કુંભમાં કરેલું સ્નાન 1000 અશ્વમેધ યજ્ઞ, 100 વાજપેય યજ્ઞ અને 1,00,000 પ્રદક્ષિણા જેટલું પુણ્ય આપે છે! ગંગાના પાણીમાંના પોષકતત્વો અને અમુક ખાસ પ્રકારનાં બેક્ટેરિયા વ્યક્તિની અંદર રહેલી તમામ અશુદ્ધિઓ દૂર કરવાનું કામ કરે છે. આ કારણોસર જ, માણસજાતે ગંગામાં ફેલાવેલી ગંદકીનાં બાવજૂદ પણ એમાં કરેલું સ્નાન વ્યક્તિને હંમેશા દિવ્યતા મહેસૂસ કરાવે છે.
તમે વિચાર કરો સાહેબ, હજારો સદીઓથી અવિરતપણે વહી રહેલી ગંગાનું પાણી કેમ ક્યારેય દૂષિત નથી થતું? કરોડો માણસોનાં મેલા શરીરની અશુદ્ધિઓ ભળી હોવા છતાં શા માટે ગંગા નદીનાં પાણીમાં રોગચાળાનું કોઇ નામોનિશાન નથી? ઉલ્ટું, વૈજ્ઞાનિકોએ પૂરવાર કર્યા મુજબ, ગંગાનું પાણી કંઈ-કેટલાય રોગોનાં નિદાન તેમજ માંદગીમાં સૌથી વધુ અસરકારક સિદ્ધ થયું છે! આનું એક ઉદાહરણ તમને આપું. ગંગાજળની એક બોટલ ભરીને ઘેર લઈ આવો. નદીમાંથી પાણી ભરતી વખતે ચાહે એમાં ગમે એટલી અશુદ્ધિઓ હોય કે પાણી ડહોળું હોય, પરંતુ ફક્ત એક કે બે દિવસની અંદર જ એ સાવ નિર્મળ થઈ જશે. આ પાણીને અગર 100 વર્ષો સુધી વપરાશમાં લીધા વગર બોટલમાં જ રહેવા દઈએ તો પણ એમાં કોઇ હાનિકારક બેક્ટેરિયા કે રોગજન્ય દ્રવ્યો ઉત્પન્ન નથી થતાં! સો વર્ષ પછી એક ઘૂંટડે એ પાણી પી શકાય એટલી સ્વચ્છતા એમાં હોય છે. અને આ વાત ફક્ત આપણા વેદ-પુરાણોમાં કહેવામાં આવી છે એવું બિલ્કુલ નથી. આજનાં વિજ્ઞાને પણ એને લેબોરેટરીમાં પ્રયોગો બાદ સાબિત કરી છે.
ત્રિવેણી સંગમનાં પ્રભાવને લીધે ભારતનાં સૌથી પવિત્ર સ્થળોમાં પ્રયાગરાજનો સમાવેશ થાય છે. ઋગ્વેદ, પદ્મપુરાણ અને મહાભારતમાં પ્રયાગનું મહત્વ દર્શાવતાં ઘણા શ્લોક વાંચવા મળે છે. (ઋગ્વેદ, ખિલસુક્ત)
ભાવાનુવાદ : ગંગા અને યમુના નદીનાં સંગમસ્થાન પર સ્નાન કરનારને સ્વર્ગપ્રાપ્તિ થાય છે, જ્યારે એમાં પોતાનાં દેહનો ત્યાગ કરનારને મોક્ષપ્રાપ્તિ!
(પદ્મપુરાણ)
ભાવાનુવાદ : જેમ તમામ અવકાશી પદાર્થોમાં સૂર્યનું મહત્વ અને ચંદ્રનું મહત્વ ગ્રહો-નક્ષત્રોમાં અત્યાધિક છે, એ જ પ્રકારે તીર્થસ્થાનોમાં પ્રયાગ શ્રેષ્ઠત્તમ છે.
(મહાભારત, પર્વ 3 : અધ્યાય 83 : શ્લોક 74 અને 75)
ભાવાનુવાદ : હે રાજન, તમામ તીર્થસ્થાનોમાં પ્રયાગનું મહત્વ અત્યાધિક છે. એનું નામ ઉચ્ચારણ અથવા ત્યાંની માટીનો મનુષ્યદેહ સાથેનો સ્પર્શ, વ્યક્તિને તમામ પાપમાંથી મુક્તિ અપાવે છે.
ચાર અલગ-અલગ સ્થળો પર દર બાર વર્ષે આયોજિત થતાં કુંભમેળા પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. શા માટે દર 12 વર્ષે જ તેની ઉજવણી થાય? શા માટે ફક્ત ચાર જ સ્થળોએ? શા માટે દર વર્ષે નહીં? શા માટે દરેક શહેરોમાં નહીં? દરેક પ્રશ્નોનાં જવાબ આપણા ધર્મએ આપેલા વિજ્ઞાનમાં જ છુપાયેલા છે.
દેવ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથનમાં અમૃતકુંભ પ્રાપ્ત થયો, જેના થકી અમરત્વ મેળવવા માટે દેવાસુર સંગ્રામ ખેલાયો. ભગવાન વિષ્ણુનાં મોહિની અવતારે સૌકોઇને ભ્રમિત કર્યા. અસુરો જાણતાં હતાં કે અગર દેવતાઓ અમૃત પીને અમર થઈ ગયા તો સ્વર્ગ પરનું આધિપત્ય ખોઇ બેસવાનો વખત આવશે અને ભવિષ્યમાં એમના પર ક્યારેય વિજય નહીં મેળવી શકાય! ક્ષીરસાગરમાંથી અમૃતઘડો બહાર આવતાંવેંત દેવતાઓ એને છીનવીને કોઇક અજ્ઞાત સ્થળે છુપાવી દેવાની પેરવીમાં હતાં. અસુરોને પોતાની સાથે અન્યાય થયાની અનુભૂતિ થતાં 12 દિવસ અને 12 રાત સુધી એમણે દેવતાઓનો પીછો કર્યો.
બ્રહ્મલોકમાં ચાલતો સમય પૃથ્વીલોકમાં ચાલતાં સમયની સાપેક્ષે ઘણો ધીમો છે. આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રીલેટિવિટી (સાપેક્ષવાદનો સિદ્ધાંત) પણ આ બાબતનો પુરાવો છે. ભારતીય ધર્મગ્રંથો અને પુરાણોનાં ગહન અભ્યાસ બાદ આઇન્સ્ટાઇને પોતાનો આ સિદ્ધાંત સાબિત કર્યો હતો એવા દાવા થઈ રહ્યા છે. અમૃતકુંભ મેળવવા માટે થયેલા દેવાસુર સંગ્રામની વાતને ટૂંકમાં કહેવી હોય તો એમ કહી શકાય કે, દેવ-દાનવોનો એક દિવસ બરાબર આપણું એક વર્ષ! સ્વાભાવિક રીતે એમના 12 દિવસ એટલે આપણા 12 વર્ષ! આ કારણોસર આપણા દેશમાં આદિકાળથી દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે. દેવતાઓ જ્યારે અમૃતકુંભ લઈને નાસી રહ્યા હતાં એ વખતે કુંભમાંથી કેટલીક બૂંદ પૃથ્વી પરની ચાર જગ્યા પર પડી; જે આજે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક તરીકે જાણીતી છે.
છઠ્ઠા દિવસે હરિદ્વાર, પ્રયાગરાજ પર નવમા દિવસે, નાસિક અને ઉજ્જૈનમાં બારમા દિવસે બૂંદ પડવાથી બરાબર એ જ ક્રમમાં કુંભમેળાનું આયોજન થાય છે. નાસિક અને ઉજ્જૈનમાં એકીસાથે અથવા તો છ-છ મહિનાનાં અંતરે તેમજ હરિદ્વાર તથા પ્રયાગરાજમાં અનુક્રમે 6 અને 3 વર્ષનાં અંતરે કુંભનું આયોજન થાય છે. 2001 (પ્રયાગરાજ), 2003 (નાસિક), 2004 (ઉજ્જૈન), 2010 (હરિદ્વાર), 2013 (પ્રયાગરાજ), 2015 (નાસિક), 2016 (હરિદ્વાર) અને 2019 (પ્રયાગરાજ)માં કુભ મેળાનું આયોજન થયું હતું. દિવ્યાત્માઓ તેમજ સાધુ-સંતો-મહંતોનું કહેવું છે કે દર બાર વર્ષે પૃથ્વીની આબોહવા અને ભ્રમણકક્ષામાં એવા પરિવર્તનો આવે છે જેનાં લીધે આ ચાર શહેરોની નજીકની નદીઓનાં જળ અમૃતમાં ફેરવાઈ જાય છે. જેમાં સ્નાન કરવાથી શ્રદ્ધાળુઓને આત્માની શુદ્ધિ, પવિત્રતા અને અમરત્વ ભાવની પ્રાપ્તિ થાય છે.
આધુનિક વિજ્ઞાન દ્વારા પણ પૃથ્વીની બદલતી પ્લાનેટરી પોઝિશન અંગેની થિયરી સત્ય પૂરવાર કરવામાં આવી છે. વિજ્ઞાને સાબિત કર્યુ છે કે સૂર્ય દ્વારા ફેંકાઈ રહેલા રેડિયો-એક્ટિવ કિરણોની આખી એક અલાયદી સાઇકલ છે, ચક્ર છે! જેમાં મંડળના અન્ય ગ્રહોની બદલતી ભ્રમણકક્ષાને લીધે ફેરફારો જોવા મળે છે. આ ગ્રહોની સારી-ખરાબ અસરોનું સત્ય જાણવા માટે સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણનો સહારો લેવામાં આવે છે, જેમાં પૃથ્વીનાં વાતાવરણ દ્વારા ઝીલાતાં રેડિયેશનનું પ્રમાણ ઘણાખરા અશે હાનિકારક પૂરવાર થતું હોય છે. ગુરૂ, સૂર્ય અને ચંદ્રની કક્ષાઓ પરથી આગામી કુંભમેળાની તારીખ નક્કી કરવામાં આવે છે!
પ્રયાગરાજનાં ત્રિવેણી (ગંગા, યમુના અને સરસ્વતી) સંગમસ્થાન પર, હરિદ્વારમાં ગંગા નદી, નાસિકમાં ગોદાવરી નદી અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનાં જળમાં કુંભ વખતે સ્નાન કરવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. પૌરાણિક સમયથી આપણા સાધુ-સંતો દ્વારા કુંભના સમય દરમિયાન મોક્ષ અને અમરત્વનાં ખ્યાલો સામાન્ય જનજીવન સુધી પહોંચ્યા હોવાથી ધીરે-ધીરે રાજા-મહારાજાઓએ પણ કુંભને ફક્ત પૌરાણિક ગાથા ન રહેવા દેતાં તેને પર્વનું સ્વરૂપ આપતાં ગયા! ત્યાં મેળાનું આયોજન થવા લાગ્યું. દૂર-દૂરથી ભક્તો પવિત્ર નદીનાં જળમાં સ્નાન કરવા માટે આવવા લાગ્યા. અને આ રીતે કુંભમેળો તહેવારમાં પરિણમ્યો!
મકર સંક્રાંતિએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે એ વખતે દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. એવું કહેવામાં આવે છે કે પૃથ્વી તેમજ અન્ય ઊર્ધ્વલોક વચ્ચેનો માર્ગ કુંભના સમય દરમિયાન ખૂલી જાય છે, જેથી પવિત્રાત્માઓ સરળતાપૂર્વક મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. કમનસીબે, કળિયુગમાં શુદ્ધાત્માઓ ખૂબ જૂજ છે. નદીઓનું પવિત્ર જળ કદાચ માણસનાં પાપ ધોઇ શકે, પરંતુ એમને મોક્ષ પ્રાપ્ત કરાવવા જેટલી ક્ષમતા એમાં નથી. એના માટે તો માણસે પોતે ભૌતિકતા અને મોહ-માયાનાં બંધનમાંથી છૂટીને આત્મમંથનનાં માર્ગે નીકળવું જરૂરી છે. કુંભની ગણના ફક્ત મોક્ષનાં માર્ગ તરીકે ન કરતાં, એક પવિત્ર તહેવાર અને ભારતવર્ષનાં ભવ્ય પૌરાણિક ઇતિહાસની ઝાંખી સ્વરૂપે કરવામાં આવે તો કદાચ વધુ આનંદ થશે. (સમાપ્ત)