સાવધાન : શિયાળામાં પ્રદૂષણ વધતા હવા ઝેરી બની
ઘટતાં જતાં વૃક્ષો અને વધતા વાહનોથી શ્ર્વાસ લેવો જ જોખમી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
ભારતમાં વાયુ પ્રદુષણથી વર્ષે અંદાજે 17 લાખના મોત નીપજે છે અને ગત દાયકામાં 38 ટકાનો વધારો થયો છે, પ્રદુષણથી માત્ર શ્વસનતંત્રના અસ્થમા સહિતના રોગો જ નહીં પરંતુ, હૃદયરોગનો ખતરો પણ વધે છે તેવું તજજ્ઞા તબીબોએ જાહેર કરેલું છે તે સ્થિતિમાં રાજકોટના 20 લાખની વસ્તીને શ્વાસ લેવા માટેની હવા ફરી ઝેરી બની ગઈ છે. સોરઠીયાવાડી સર્કલે મહત્તમ પ્રદુષણ સૂચવતો હવાની ગુણવત્તા આંક (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 358એ પહોંચ્યો હતો અને અન્ય તમામ સ્થળે પણ સહ્ય માત્રા કરતા વધુ પ્રદુષણ નોંધાયું છે.
રાજકોટવાસીઓ માટે હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે. કારણ કે, વિકાસની સાથે સાથે શહેરની હવા પણ ઝેરી બની રહી છે. રાજકોટમાં દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (અચઈં) 300ને પાર કરી ગયો છે. જે હવાની ગુણવત્તાને સામાન્ય ખરાબથી વધુ ખરાબની શ્રેણીમાં મુકે છે. સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તાર, જામ ટાવર, નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી સહિતના શહેરના 5 વિસ્તારોમાં અચઈં 300થી વધુ નોંધાયો છે. જેના કારણે આ વિસ્તારો જોખમી બની ગયા છે. અહીં દિવસ દરિયાન કેટલાક કલાકો માટે તો પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 20 અલગ-અલગ વિસ્તારોમાં દર બે કલાકે હવા પ્રદૂષણના આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે. જેમાંથી કેટલાક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ સરેરાશ 75થી 125 પોઇન્ટને બદલે કાયમ 150 થી 175થી વધુ એવરેજમાં નોંધાયું છે.
જે વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો ઊંચો આવ્યો તે બધા ટ્રાફિકલ એરિયા
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ૠઙઈઇ), રાજકોટના પ્રાદેશિક અધિકારી, ટી.કે લકુમે આ પ્રદૂષણના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળાના સમયમાં તાપમાનના ઘટાડાને કારણે થતા ઇન્વર્ઝનને લીધે નીચેના સ્તરે પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોય છે. જે વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો ઊંચો આવ્યો છે, તે બધા ટ્રાફિકલ એરિયા છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ નહીં, પરંતુ મુખ્યત્વે વાહનોની અવરજવર અને રોડ ડસ્ટને કારણે પ્રદૂષણ વધી રહ્યું હોવાનું કહી શકાય. શહેરના મુખ્ય માર્ગો પર મહત્તમ ટ્રાફિક, અવારનવાર ટ્રાફિક જામ થવો અને ટ્રાફિક નિયંત્રણનો અભાવ હવા પ્રદૂષિત થવાના મુખ્ય કારણો છે. પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે રાજકોટ મનપા દ્વારા નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (ગઈઅઙ) હેઠળ ઈ-બસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, સઘન વૃક્ષારોપણ અને રોડ-રસ્તાઓના રિપેરિંગ જેવા કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. પ્રદૂષણ ઘટાડવા માટે જનજાગૃતિને સૌથી જરૂરી ગણાવી હતી. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને શિયાળામાં તાપણા કરવા કે રોડ સાઇડ પર કચરો સળગાવવાનું ટાળવા અપીલ કરી છે.
- Advertisement -
ધુમાડા-ધ્વનિનું પ્રદૂષણ પણ વધ્યું
રાજકોટ શહેરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને વસતીની સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. એક પરિવારમાં સામાન્ય રીતે બે-ત્રણ વાહનો હોવા સામાન્ય બની ગયું છે. મહાનગરપાલિકાની પાર્કિંગ પોલિસી મુજબ વર્ષ 2018-19માં રાજકોટમાં 5,84,37 વાહનોનો અંદાજ હતો. જોકે, આરટીઓ દ્વારા 2023માં પોલીસ વિભાગ સાથેની બેઠકમાં રાજકોટ જિલ્લામાં 30 લાખ વાહનો હોવાનું જણાવાયું હતું. શહેરના રસ્તાઓ ટૂંકા, સાંકડા અને દબાણયુક્ત હોવાથી વાહનો વારંવાર ટ્રાફિકમાં અટવાય છે, જેના કારણે ધુમાડાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. તો શહેરમાં વાહનોની સરેરાશ ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે, અને આંતરિક શેરીઓમાં જંકશનોને કારણે આ ગતિ 10 કિમી પ્રતિ કલાક સુધી ઘટી જાય છે. જેના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે.
ક્યા વિસ્તારમાં કેટલો AQI ?
સોરઠિયા વાડી નજીક 322
સેન્ટ્રોલ ઝોન કચેરી 312
જામટાવર ચોક 312
નાના મવા સર્કલ 310
રામાપીર ચોકડી 306



