જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી બે ટકા રહ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ફેડ રેટમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં અમેરિકાનો જીડીપી એપ્રિલ-જૂન કવાર્ટરમાં 2.4 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી બે ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાર દાયકાના સૌથી ઉંચા ફુગાવાને અંકુશમાં લેવા માટે માર્ચ, 2022થી ફેડે 11 વખત વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જેના કારણે દરેક પ્રકારની લોન મોંઘી બની હતી.
- Advertisement -
ચાલુ સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સમગ્ર વર્ષ 2023 માટે અમેરિકન અર્થતંત્ર 1.8 ટકાના દરે વિકાસ કરશે તેવો અંદાજ મૂક્યો હતો. બીજી તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંકે ફુગાવાને અંકુશમાં લેવા માટે સળંગ નવમી વખત વ્યાજ દરમા વધારો કર્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઇસીબી)ના પ્રમુખ ક્રિશ્ર્ચિયન લેગાર્ડે વ્યાજ દરમાં 0.25 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી.
આ સાથે જ યુરોપિયન સેન્ટ્રલ બેંકનો વ્યાજ દર 3.75 ટકા થઇ ગયો છે. જે મે, 2001 પછીનો સૌથી વધુ છે. આ ઉપરાંત રી ફાઇનાન્સિંગ ઓપરેશનલ રેટને પણ ચાર ટકાથી વધારી 4.25 ટકા કરવામાં આવ્યો છે.
ઇસીબી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી સતત ઘટી રહી છે. જો કે હજુ પણ તે વધુ છે અને લાંબા ગાળા માટે તે વધારે બની રહેવાના અંદાજને ધ્યાનમાં રાખીને વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યાજ દરમાં વધારો દર્શાવે છે કે મોંઘવારી હજુ પણ ગંભીર સમસ્યા બની રહેલી છે. આ અગાઉ બુધવારે યુએસ ફેડરેલ રિઝર્વે છેલ્લા 17 મહિનામાં 11મી વખત વ્યાજ દરમાં વધારો કર્યો હતો. આ સાથે જ અમેરિકામાં વ્યાજ દર વધીને 5.25 ટકાથી 5.50 ટકા થઇ ગયા છે.