મનપા-શાળા સંચાલક મંડળની કમિટી રચાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશને પગલે રાજકોટ સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશન વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. જોકે સિલ કરેલા એકમોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 70 શાળાઓ સહિત 150 એકમોના સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આસિસ્ટન્ટ કમિશનર સ્વપ્નિલ ખરેના જાહેર કર્યા મુજબ, રાજકોટમા 250 જેટલી સીલ મારવામાં આવી હતી. જેમાં 100 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ છે. સરકાર દ્વારા ફાયર એનઓસી વિનાની મિલકતોને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી આ પ્રકારની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. જોકે સંચાલકો તેમાં ફાયર સેફ્ટીના સાધનો વિકસાવે અને ફાયર એનઓસી માટે કાર્યવાહી કરે તો આ મિલકતોના સીલ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં મિલકતોના સીલ ખોલવા માટેની 150 જેટલી અરજીઓ આવી છે. જેમાં મોટાભાગની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે મુજબ ગેરકાયદેસર બાંધકામો કે ડોમ હોય તો તે દૂર કરવાના હોય છે. શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ બિલ્ડીંગ અને બેંકોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાના હોય છે અને ફાયર એનઓસી લેવાની હોય છે. આગ બુઝાવવા માટેનાં સાધનો ઇન્સ્ટોલ કરવા માટે જ સીલ મિલકતો ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. ફાયર સેફ્ટીના સાધનોની પૂર્તતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.
આ મામલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, ખાનગી શાળા સંચાલક મંડળ હસ્તકની 500 જેટલી શાળાઓમાંથી 60 જેટલી શાળાઓને સીલ કરવામાં આવી છે. જેમાં 10 જેટલી શાળાઓમા ડોમ છે. જોકે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા તેમજ ડોમ હટાવવા માટે સીલ ખોલવા માટેની અરજી કરવામાં આવી હતી. ખાનગી શાળા સંચાલક મંડળે પણ એક કમિટી બનાવી છે. જે કોર્પોરેશન સાથે સંકલનમાં રહી અને ફાયર સેફ્ટીના સાધનોની પૂર્તતા કરી રહી છે.
આજે વધુ કુલ 46 એકમોની ચકાસણી કરવામાં આવી: 17 એકમો સીલ કર્યા
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશનકલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.06-06-2024ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 46 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 17 સંકુલો સીલ કરવામાં આવ્યા છે.