હર્ષદ મહેતાની જૂનાગઢ જિલ્લા પોલીસવડા તરીકે નિમણૂંક
અહર્નિશ પોલીસ અધિકારી હર્ષદ મહેતા ખાખી વર્દીનું સન્માન જાળવવા જાણીતા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાખી વર્દી પર સ્ટાર હોય, અશોક સ્તંભ હોય, આઈપીએસ પણ લખેલું હોય તે બધું જ શોભે છે પરંતુ તે ખાખીનો રંગ પોલીસ અધિકારી જાળવી રાખે તો જ તેને ખાખી શોભે છે. આવા જ એક ખાખી રંગનો રંગ રાખતા ગુજરાતી આઈપીએસ છે, હર્ષદ મહેતા. ગઈકાલે રાજ્યના 70 જેટલા આઈપીએસની બદલી કરવામાં આવી છે ત્યારે સુરતમાં નાયબ પોલીસ કમિશનર, ઝોન-5 તરીકે ફરજ બજાવતા હર્ષદ મહેતાની બદલી જૂનાગઢ એસપી તરીકે કરવામાં આવી છે. જૂનાગઢ એસપી વસમસેટ્ટી રવિ તેજાની જગ્યાએ પોલીસ અધિક્ષક, જૂનાગઢની કેડર પોસ્ટ પર હર્ષદ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. હવે આઈપીએસ હર્ષદ મહેતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની સેવા આપશે.
ઉલ્લેખનીય છે કે, હર્ષદ મહેતા સાહેબ એક પ્રામાણિક અને કડક પોલીસ અધિકારી તરીકેની ઓળખ ધરાવે છે. રાજકોટ એસીપી અને બોટાદ જિલ્લા પોલીસ વડા, વડોદરામાં જેલ સુપ્રિટેન્ડડ, સુરતમાં ડીસીપી સહિતના હોદ્દા પર પ્રજાલક્ષી કામગીરી કરી ચૂક્યા છે. હર્ષદ મહેતાએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક પડકારપૂર્ણ કેસમાં સફળતા હાંસલ કરી ખૂંખાર ગુનેગારોને પકડી પાડ્યા છે. તેઓ એક સારા વાંચક ઉપરાંત ઉત્તમ શ્રોતા અને શ્રેષ્ઠ વક્તા છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું જ્ઞાન ઉપરાંત ગણીત-વિજ્ઞાન જેવા વિષયોમાં તેઓ ઊંડી જાણકારી ધરાવે છે. હર્ષદ મહેતાના તમામ પાસાઓને ધ્યાને લેતા હવે તેમને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે તેઓ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનું પદ શોભાવશે એ નક્કી છે.
તત્કાલિન બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની પ્રેરણા લખાયું છે પુસ્તક ‘અહર્નિશમ્’
તત્કાલિન બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની પ્રેરણાથી યુવા લેખક હર્ષ ઠાકર દ્વારા અહર્નિશમ્ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લા પોલીસની અહર્નિશ સેવાને ઉજાગર કરતા આ પુસ્તકમાં પોલીસ પ્રજાના રક્ષક તરીકે દિવસ-રાત જોયા વિના કઈ રીતે ખડે પગે કામ કરે છે.
- Advertisement -
તેના પ્રેરણારૂપ કિસ્સાઓની નવ વિવિધ ટુંકી કથાઓ રજુ કરવામાં આવી છે. આ કથાઓના શીર્ષક ભારતીય સભ્યતાના પ્રતિક એવાં સંસ્કૃતનાં સૂત્રો છે, જે આપણો ગર્વપ્રદ વારસો હોવાની સાથે આપણી જવાબદારી શીખવે છે. દિવસ રાત કોઈને કોઈ ફરજ માટે ખડે પગે રહેતાં પોલીસ ડીપાર્ટમેન્ટ માટે આ શીર્ષક એકદમ બંધબેસતું છે. પોલીસ એ રક્ષણની જ એક વ્યવસ્થા છે. સજ્જનોના રક્ષણ માટે પોલીસ ઘણું કરી છૂટતી હોય છે, પણ આ વાર્તા એક અજાણ્યા વ્યક્તિની ગરિમાનું પોલીસ દ્વારા કઈ રીતે કરવામાં આવેલું તેની વાત કરતું એક પુસ્તક એટલે અહર્નિશમ્.