ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે શિક્ષણ પર પડી રહેલી નકારાત્મક અસરને ઘટાડવા માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ, 2024ની સરકારી માધ્યમિક શિક્ષકોની ભરતી અંતર્ગત 114થી વધુ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. ગુરુવારે સુરેન્દ્રનગરની જે.એન.વી. વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો હિતેશભાઈ કણજારીયા, સનીભાઈ પરમાર અને મિતરાજસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 400થી વધુ શિક્ષકોની ઘટ હતી. 114 શિક્ષકોની નિમણૂક બાદ પણ જિલ્લામાં હજુ 286 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર ચાલુ રહી શકે છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે વધુ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે આવશ્યક છે.
પ્રમાણપત્ર ચકાસણી બાદ નિમણૂકો
જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયામાં પાસ થયેલા 114થી વધુ ઉમેદવારોને બોલાવીને સ્થળ પસંદગી અને નિમણૂક હુકમો આપવામાં આવ્યા હતા.
આ નિમણૂકોથી સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત કંઈક અંશે હળવી થશે, પરંતુ શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા અને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે તે માટે બાકી રહેલી જગ્યાઓ ભરવી અત્યંત જરૂરી છે.