આજીડેમ પોલીસના PSI વાઘેલાની શંકાસ્પદ ભૂમિકાની DCP કક્ષાના અધિકારીને તપાસ સોંપાશે?
આજીડેમ પોલીસચોકીના PSI વાઘેલા વિરુદ્ધ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય તે માટે અરજદારે રજૂઆત કરી
PSI વાઘેલાએ પ્રવીણ પરમારને ફોનમાં ‘તમારી લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ છે, નિવેદન આપવા આવી જજો’ તેવું ખોટું બોલી ધમકી આપ્યાની ઓડિયો ક્લિપ ‘ખાસ-ખબર’ પાસે આવી…
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ પાસેના કાળીપાટ ગામમાં આવેલી એક ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેંચી દેવડાવવામાં અને મૂળ માલિક પાસેથી કબ્જો ખાલી કરાવવા મામલે આજીડેમ પોલીસનાં પીએસઆઈ વાઘેલા વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. કુંભાર લખમણભાઈ ભગભાઈના કુલમુખત્યારના દરજ્જે પરમાર પ્રવીણભાઈએ પીએસઆઈ વાઘેલા વિરુદ્ધ કરેલી અરજી આ મુજબ છે. આજીડેમ પોલીસચોકીના પીએસઆઈ. ગિરિરાજસિંહ વાઘેલાની ભૂમિકા આ મામલે પ્રથમથી જ શંકાસ્પદ રહી છે – એ મુદ્દો ખ્યાલમાં રાખીને આ મામલાની તપાસ આજીડેમ પોલીસસ્ટેશનના કોઈ અધિકારી ન કરે અને ડી.સી.પી. દરજ્જાના અધિકારી કરે તેવી અમારી ન્યાયનાં હિતમાં માંગણી છે.
તમારા પર લેન્ડગ્રેબિંગ ફરિયાદ થઈ છે તેવું ખોટું કહી પીએસઆઈ વાઘેલાએ જમીન માલિકને આજીડેમ પોલીસચોકી બોલાવ્યા હતા તેની ઓડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…
https://www.youtube.com/watch?v=SkuAYvguf7A
- Advertisement -
અમારી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ જ નથી. તેમ છતાં પીએસઆઈ. વાઘેલાએ અમારા ફોન નંબર (8320281908) પર પોતાના મોબાઈલ નંબર ( 9712586999) પરથી તારીખ 17 ફેબ્રુઆરીનાં જ રોજ છ વાગ્યાં આસપાસ ફોન કર્યો હતો. જેમાં તેમણે ધમકી આપતાં કહ્યું હતું કે, તમારી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી આવી છે, કાલે જવાબ લખાવવા આવી જજો! વાસ્તવમાં આવી કોઈ જ અરજી અમારી વિરૂદ્ધ થઈ નથી. એ વાત સ્પષ્ટ છે કે, PSI વાઘેલાનો ઈરાદો અમને ડરાવવાનો હતો. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત વાતચીતની ઓડિયો ક્લીપ પણ પુરાવારૂપે અમારી પાસે છે. PSI વાઘેલા સારી પેઠે વાકેફ હતાં કે, અમારી જમીનનાં બોગસ દસ્તાવેજ મહાવીરસિંહ ગીરૂભા જાડેજા વગેરેએ મોહનભાઈ વેલાભાઈ ગણદીયાના નામનાં કરી આપ્યા છે. કારણ કે સૌથી પહેલો દસ્તાવેજ અમારા નામનો જ હતો અને 7/12 વગેરે તે સમયનાં જ હતાં. બોગસ દસ્તાવેજ કરનારે નવા 7/12 બોગસ દસ્તાવેજ કરનારનાં નામે જ હોય. આ હકિકતથી વાકેફ હોવા છતાં PSI વાઘેલાએ સતત અમારી પાસે નવાં 7/12ની માંગણી કરી હતી. જે તેમની પર શંકા કરવા પર્યાપ્ત છે.
PSI ગિરિરાજસિંહ વાઘેલાએ અમારા તમામ પુરાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે, તમારો કેસ તમે હારી ગયા છો, હવે તમારા નામે કંઈ જ નથી! વાસ્તવમાં લોકડાઉનને કારણે અમારો કેસ ઉ.ઉ. થયો હતો – જે અમે રિસ્ટોર પણ કરાવ્યો છે. આટલી સાદી સમજ તેમનામાં ન હોય તેવું માનવાને કોઈ કારણ નથી. છતાં તેમણે આવું કહ્યું તેનું કારણ આરોપીઓ સાથેનું તેમનું મિલાપીપણું છે. આ મામલો 2009થી કોર્ટમાં ચાલે છે. જેમાંથી બે કોર્ટમાં અમે કેસ જીતી પણ ચૂક્યાં છીએ. આખી મેટર સબ-જ્યુડિશ્યલ હોવા છતાં PSI વાઘેલા પોતાનાં કાર્યક્ષેત્રન બહાર જઈને આ કેસમાં ઊંડો રસ લઈ રહ્યા છે અને તેમણે કબ્જો પણ આરોપીઓને – બોગસ દસ્તાવેજ ધારકોને સોંપાવી દીધો છે. આ કિસ્સામાં PSI વાઘેલાની શંકાસ્પદ ભૂમિકાની DCP કક્ષાનાં અધિકારી દ્વારા તપાસ કરાવવામાં આવે અને અમને અમારી જમીનનો કબ્જો પરત સોંપવામાં આવે એવી અરજી આજીડેમ પોલીસના પીએસઆઈ વાઘેલા વિરુદ્ધ પ્રવીણભાઈ લખમણભાઈ પરમારે રાજકોટ પોલીસ કમિશનરને કરી છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ તાલુકાના કાળીપાટ ગામના રેવન્યુ સરવે નં. 44-2 પૈકીની જમીન હે.આરે.ચો.મી. 0-99-15 એકર-2 18 ગુંઠા જમીન કુંભાર લખમણભાઈ ભગાભાઈએ સને 1987માં વેચાણ દસ્તાવેજથી ખરીદી ત્યારથી તેઓ તેના આશરે 35 વર્ષથી માલિકી હક્કે કબજો ધરાવતા હતાં અને ખેતી કામ કરતા હતાં. આ ખેતીની જમીનના મૂળ માલીક ગીરૂભા જોરૂભા જાડેજાનું અવસાન થતાં તેમના વારસોએ મહાવીરસિંહ ગીરૂભા જાડેજા સહિતનાઓએ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરી અને આ ખેતીની જમીન તેઓના નામે ખોટી રીતે ખોટા સોગંદનામા રજૂ કરી અને વારસાઈ નોંધ કરી પડાવેલી લીધી હતી.
વારસાઈ નોંધના આધારે મહાવીરસિંહ ગીરૂભા જાડેજાએ મોહનભાઈ વેલાભાઈ ગણદીયાને વર્ષ 2021માં દસ્તાવેજ કરી આપેલો જે દસ્તાવેજ કરવા તેઓને કોઈ હક્ક કે અધિકાર નહતો. મોહનભાઈ વેલાભાઈ ગણદીયાએ આજીડેમ પોલીસમાં ખોટી અરજી કરતાં આજીડેમ પોલીસ ચોકીના પી.એસ.આઈ. વાઘેલાએ અરજીની ખરાઈ કર્યા વગર આ ખેતીની જમીનનો કબ્જો લેન્ડગ્રેબિંગની ફરિયાદ છે તેવી ધાકધમકી આપી અને બળજબરીથી કુંભાર લક્ષ્મણભાઈ ભગાભાઈ પાસેથી છીનવી અને મોહનભાઈ વેલાભાઈ ગણદીયાને સોંપી અપાવી દીધી છે.


