ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગાંઠીલા ઉમાધામ દ્વારા 20 એપ્રિલ, 2025ના યોજાનારા ઉમાધામ પાટોત્સવ પ્રસંગે ત્યાં વ્યસનમુક્તિ પ્રદર્શન અંતર્ગત યોજાનારા ઓરલ કેન્સર સ્કેનિંગ મશીન વેલસ્કોપથી ફ્રી નિદાનનો લાભ લેવા સમાજને અપીલ કરવામાં આવી છે.
મોઢાના કેન્સરના સૌથી વધારે કેસો આપણા દેશમાં થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે દોઢ લાખ કેસો બહાર આવે છે. જેમાં અંદાજે 50 ટકા કેસોમાં નિદાન થાય ત્યારે કેન્સર આગળ ફેલાઈ ગયું હોવાથી સારવારમાં રિઝલ્ટ મળતું નથી. તેમાં મોઢાના કેન્સરના સૌથી વધારે કેસો જોવા મળે છે. તે માટે મોટા ભાગે તમાકુનું સેવન જવાબદાર હોય છે.
- Advertisement -
આ બાબત ગંભીરતાથી ધ્યાને લઇને ઉમાધામ ગાંઠીલા પાટોત્સવમાં વ્યસનો ઉપર વૈજ્ઞાનિક માહીતી આપતું પ્રદર્શન રાખવામાં આવેલ છે. જેમાં વ્યસનો વિશે ન જાણેલી અને ઉપયોગી માહિતિ તો મળશે જ ઉપરાંત ખાસ મહત્વનું એક ઓરલ સ્કેનિંગ મશીન હશે. જે અમેરિકાના કેન્સર સ્પેશિશ્યાલીસ્ટ ડો.ભાણજીભાઇ કુંડારિયાના ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલ છે. તેના દ્વારા બીડી, તમાકુ કે માવાના વ્યસનીઓમાં, મોઢાના કેન્સર જેવી કોઈ ગંભીર બીમારી થવાની હોય તો તેનું અગાઉથી જ નિદાન કરી શકાય છે. આમ આ મશીન વ્યસનીઓને મોઢાની ગંભીર બીમારીઓથી સાવચેત કરીને તેના ગંભીર પરિણામોથી બચાવે છે. જે મશીનનો લાભલેવા ઉમાધામ ગાંઠીલાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડો. દીપક પી. ભલાણીએ આ ફ્રી ચેકઅપનો લાભ લેવા અપીલ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે આ મશીન હાલમાં જુનાગઢ જિલ્લામાં ક્યાંય નથી અને તેનો માત્ર કેમ્પમાં જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિદાન માટે આપણે 2000 થી 5000 ખર્ચ કરવો પડે છે. આ કેમ્પમાં વિના મૂલ્ય સચોટ નિદાન માટે આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તો વધુ માં વધુ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં આવેલો હતો.