અદાલતે લાંબી દલીલો બાદ ચુકાદો આપ્યો; પુત્રની ધરપકડ બાદ માતા-પિતાએ રાહત મેળવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં એક સનસનાટીપૂર્ણ વ્યાજખોરી અને છેતરપિંડીના કેસમાં કોર્ટે ડેનિશ ધર્મેશ પાબારીના માતા-પિતા, ધર્મેન્દ્રભાઈ પાબારી અને હેનીબેન પાબારીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ દંપતી પર ફરિયાદી પાસેથી ₹15 લાખ વ્યાજે આપીને તેના 29 તોલા સોનાના દાગીના ઓળવી જવા અને ઓગાળી નાખવાનો ગંભીર આરોપ છે. આ કેસના ફરિયાદી સાગર ભાવેશભાઈ ગજ્જર (ઉ.વ. 22, રહે. ઓમ રેસિડેન્સી, ભીમનગર) એ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 6 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કોરોનાકાળમાં શેરબજારમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જેમાં નુકસાન થતાં તેણે ડિલક્સ પાનવાળા જયદીપ બોરિચા અને જનક બોરિયા સાથે ભાગીદારીમાં ટ્રેડિંગ શરૂ કર્યું. નુકસાન વધતા આ બંને ભાઈઓ માનસિક ત્રાસ આપી ઉઘરાણી કરવા લાગ્યા.
- Advertisement -
આ દેવાની ચૂકવણી કરવા માટે ફરિયાદીએ 6 જેટલા લોકો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સાગરે તા. 25/04/2025 ના રોજ ઊંઘની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તા. 10/05/2025 ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં જયદીપ બોરિયા અને જનક બોરિયા સહિત 6 વ્યાજખોરો વિરુદ્ધ ઇગજ ની કલમ 308(5), 351(2) અને ધીરધારની કલમ 40, 42 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદમાં નામ જોગ ડેનિશ ધર્મેશ પાબારીનો પણ ઉલ્લેખ હતો, જેની પાસેથી ફરિયાદીએ ₹15 લાખ વ્યાજે લીધા હતા અને જેના બદલામાં તેના 29 તોલા દાગીના લઈ લેવામાં આવ્યા હતા. પોલીસે ડેનિશની ધરપકડ કરી હતી. ડેનિશના નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે આ 29 તોલા દાગીના તેણે પોતાના પિતા ધર્મેન્દ્ર પાબારીની સંમતિથી માતા હેનીબેન પાબારીના લોકરમાં મૂક્યા હતા.
પોલીસે પાબારી દંપતીની ધરપકડ માટે તજવીજ હાથ ધરતાં, મૂળ ફરિયાદીના વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે ધર્મેન્દ્ર પાબારીએ ફરિયાદીને ફોન પર સોનું ઓગાળી નાખ્યાનું જણાવ્યું હતું. આ ગંભીર આરોપોના પગલે તાલુકા પોલીસે દંપતીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ધર્મેન્દ્રભાઈ અને હેનીબેન પાબારીએ પોતાના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા મારફત રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. અરજદારના વકીલની દલીલો, પોલીસનું સોગંદનામું, સરકારી વકીલ અને મૂળ ફરિયાદીના વકીલની લાંબી દલીલો તેમજ હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લીધા બાદ, કોર્ટે પાબારી દંપતીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં પાબારી દંપતી વતી એડવોકેટ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા પી. જાડેજા, રવિરાજસિંહ પરમાર, શુભાંગીનીબા ઝાલા, લક્કીરાજસિંહ જાડેજા સહિતના વકીલો રોકાયેલા હતા.



