કુળદેવી મા આશાપુરાના મંદિરથી પ્રસ્થાન થયેલો ધર્મરથ ખોડલધામમાં કાલે વિરામ લેશે
રાજકોટના ભાજપ ઉમેદવાર રૂપાલાનાં નિવેદનનો મામલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે. રૂપાલા સામેનો આ રોષ હવે ભાજપના વિરોધમાં પલટાઇ ચૂક્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના માધ્યમથી રાજકોટ જિલ્લાનાં વિવિધ ગામોમાં ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો. આજે ગુજરાત સ્થાપના દિવસે આ ધર્મરથ રાજકોટ શહેર પરત ફર્યો છે. આજે રાજકોટમાં ધર્મરથ ફરનાર હોવાથી એ.જી. ચોકથી પ્રારંભ કરાયો હતો. દિવસભર આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર કરશે. આવતીકાલે 2 મેના રોજ લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ ખાતે રથનું સમાપન થશે.
ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલાં રાજકોટમાં ક્ષત્રિય સમાજનાં કુળદેવી આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. હવે લેઉવા પટેલ સમાજનાં કુળદેવીના મંદિર ખોડલધામમાં ધર્મરથ વિરામ લેશે. આ તકે ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાએ જણાવ્યું હતું કે, આજે ક્ષત્રિય અસ્મિતાનો રથ રાજકોટ આવ્યો છે. દિવસભર તમામ 18 વોર્ડના વિવિધ વિસ્તારમાં ફરીને ભાજપ વિરોધી પ્રચાર કરાશે. ક્ષત્રિયો સહિતના સર્વ સમાજનાં બહેનોની અસ્મિતા માટે લોકજાગૃતિ ફેલાવવાનું કામ આ રથ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કાગવડના ખોડલધામ ખાતે રથનું સમાપન કરવામાં આવશે. ધર્મરથના કારણે લોકોમાં એક જાગૃતિ આવી રહી છે.
- Advertisement -
લોકોને ધ્યાનમાં આવ્યું કે, આટલો વિરોધ હોવા છતાં સરકાર નોંધ લેતી નથી. અત્યાર સુધીમાં તમામ ગામોમાં ધર્મરથ ફરી ચૂક્યો છે. જેમાં તમે માનશો નહીં કે, દરેક ગામોમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. 1 દિવસમાં 27 ગામ લેખે સાત દિવસમાં અનેક ગામોમાં રથ ફરી ચૂક્યો છે. ઠેર-ઠેર આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે પણ રાજકોટ શહેરમાં સવારનો સમય હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ ધર્મરથ સાથે જોડાયા છે. ધર્મરથ ક્ષત્રિય આંદોલનનો મહત્ત્વનો ભાગ છે અને ચૂંટણીનાં પરિણામોમાં ધર્મરથના કારણે મોટો તફાવત જોવા મળે તેવી પૂરતી શક્યતા છે. મહિલા અગ્રણી ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે, હાલ ધર્મરથ પૂર્ણાહુતિના તબક્કે પહોંચ્યો છે. આજે ગુજરાત સ્થાપના દિવસે રથ રાજકોટ શહેરમાં ફરશે. ત્યારે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સુંદર સંદેશો પહોંચ્યો છે. ધર્મ સાથે અને સત્યને સાથે રાખીને લડવાની માતાજી અમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. તમામ 18 વોર્ડમાં આ રથ ફરશે અને લોકજાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવશે. અત્યારસુધી અનેક ગામોમાં આ રથ ફરી ચૂક્યો છે.