એજાર તાલુકા પંચાયત સીટના સભ્યે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એક બાદ એક ભાજપને ઝટકો મળી રહ્યો છે. જેમાં સૌ પ્રથમ ધારાસભ્ય ફોન નહીં ઉઠાવતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ્ય સંગઠન મંત્રી દ્વારા રાજીનામું ધરી દીધું હતું. જે બાદ હવે ધ્રાંગધ્રા કુડા રોડ તરફનો જર્જરિત બ્રિજ છેલ્લા ત્રણ મહિનાથી બંધ પડ્યો હોવાથી આઠેક અંતરિયાળ ગામના સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.
આ ગામના રહીશો વારંવાર તંત્રને રજૂઆત કરાઈ છે ત્યારે હવે બ્રિજ બંધ કરવાના લીધે ગ્રામજનોને પડતી હાલાકીના મામલે રાજકારણ ગરમાયું છે જેમાં એજાર તાલુકા પંચાયત સીટના મહિલા સભ્ય ઝાંઝરિયા રીટાબેન મુકેશભાઈ દ્વારા રાજીનામુ ધરી દેવાની ચીમકી ઉચરાઈ હતી.
- Advertisement -
આ મામલે એજાર તાલુકા પંચાયત મહિલા સભ્ય રીટાબેનના પતિ મુકેશભાઈ ઝીંઝરિયા સાથે ટેલીફોનીક સંપર્કમાં જણાવ્યું હતું કે “ધ્રાંગધ્રાથી કુડા ગામ તરફ જવાના માર્ગે જર્જરિત બ્રિજને ત્રણ મહિનાથી તંત્રે બંધ કરવામાં આવ્યો છે જેના અવેજી રૂપે ડાયવર્જન પણ કાઢવામાં આવ્યો છે પરંતુ ડાયવર્જન પણ બિસ્માર હોવાથી કુડા ગામ સહિત વિરેન્દ્રગઢ, એજાર, નિમકનગર, જેસડા સહિત આઠ ગામોના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિસ્માર ડાયવર્જન હોવાને લીધે એમ્બ્યુલન્સની ઇમરજન્સી સેવા પણ ઉપલબ્ધ નથી થતી જેથી જર્જરિત બ્રીજનું તાત્કાલિક કામ શરૂ કરવા માટે દશ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જેમાં દશ દિવસમાં બ્રીજનું કામ શરૂ નહીં થાય તો પોતાના પત્ની રીટાબેન સભ્ય પદેથી રાજીનામું ધરી દેવાની તૈયારી દર્શાવી છે. જોકે રાજીનામું આપવાની વાત જાહેર થતા જ ભાજપ પ્રમુખના ફોન રણક્યા હતા અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી રાજીનામાની પોસ્ટ પરત ખેંચવા માટે મનામણા શરૂ કરાયા હતા.