કોંગ્રેસ અધ્યક્ષ પદની યોજાનારી ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઈનકાર બાદ ખડગે પોતાનો દાવો રજૂ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં વધુ એક નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઇનકાર બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ પદના ત્રીજા ઉમેદવાર તરીકે જોવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે, આ પહેલા શશિ થરૂર અને દિગ્વિજય સિંહના નામની ઔપચારિક જાહેરાત થઈ ચુકી છે અને તેઓ આજે પોતાનું નામાંકન ભરશે.
- Advertisement -
આ અંગે નથી લેવાયો અંતિમ નિર્ણય
જો કે, મલ્લિકાર્જુન ખડગે આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે કે નહીં, તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે અને ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેના નજીકના સૂત્રોએ અગાઉ સંકેત આપ્યો હતો કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના વિરોધમાં નથી, પરંતુ સોનિયા ગાંધીની સૂચના પર જ આગળ વધશે.
AICC અધ્યક્ષ પદની ચૂંટણી માટે ખડગેનું નામ ચર્ચામાં
પૂર્વ કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગેને નેહરુ-ગાંધી પરિવારના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. ગાંધી પરિવારના મનપસંદ ઉમેદવાર ગણાતા અશોક ગેહલોતના રેસમાંથી બહાર થયા બાદ 17 ઓક્ટોબરે યોજાનારી AICC અધ્યક્ષ પદની ચૂંટણી માટે ખડગેનું નામ ચર્ચામાં છે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વાપસીની હિમાયત કરી રહેલા 80 વર્ષીય ખડગેનું માનવું છે કે લોકસભાની ચૂંટણી માત્ર બે વર્ષ બાકી છે અને દેશનો પ્રવાસ કરવો અને પાર્ટીને આગળ લઈ જવી એ એક ઘણુ મોટું કામ છે. નજીકના સહયોગીએ કહ્યું, તેમણે (મલ્લિકાર્જુ ખડગેએ) પાર્ટી દ્વારા કહેવામાં આવેલી કોઈપણ વાતને નકારી નથી. પાર્ટીએ તેમનું ધ્યાન રાખ્યું, પાર્ટી જે પણ નિર્ણય લેશે, તેઓ તે નિર્ણયને સ્વીકારશે.
Senior Congress leader Mallikarjun Kharge will file his nomination for the party's presidential elections today
- Advertisement -
(file photo) pic.twitter.com/D8goOD5fkd
— ANI (@ANI) September 30, 2022
મનીષ તિવારીનું નામ પણ ચર્ચામાં
તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મનીષ તિવારીનું નામ પણ ચર્ચામાં છે. આ મુદ્દે પાર્ટીના ‘G23’ ગ્રુપના ચાર સભ્યો આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચૌહાણ અને મનીષ તિવારીએ ગુરુવારે બેઠક યોજી હતી. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે મનીષ તિવારી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે, જોકે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમને હજુ સુધી ઉમેદવારી પત્ર લીધો નથી. માનવામાં આવે છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોતના ઇનકાર બાદ આજે ઘણા ઉમેદવારો સામે આવી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને 24 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. જો એકથી વધુ ઉમેદવારો થશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.