એર ઇન્ડિયાનું પ્લેન 20 એપ્રિલથી ટેકઓફ થશે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જવા માટે મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે એર ઈન્ડિયાએ રાજકોટથી મુંબઈની વધુ એક ફ્લાઈટ શરુ કરશે. મુસાફરોને મુંબઈ જવા માટે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વધુ એક ફ્લાઈટ શરુ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના સેન્ટર તરીકે ગણાતા રાજકોટમાંથી મુંબઈ જવા માટે મુસાફરોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને નજીકના જ સમયમાં વેકેશન શરુ થશે ત્યારે આ મુસાફરોની સંખ્યા વધુ જોવા મળશે તે માટે એર ઈન્ડિયાએ રાજકોટ મુંબઈની વધુ એક ફ્લાઈટ આગામી 20મી એપ્રિલથી શરુ કરશે. મુસાફરોની કેપેસીટી વધારવા માટે હવે એર ઈન્ડિયા દ્વારા બોઈંગ ફ્લાઈટ શરુ કરવાનો નિર્ણય કર્યો છે જેમા 150 સામાન્ય મુસાફર તેમજ 12 બિઝનેશ ક્લાસના મુસાફરો મુસાફરી કરી શક્શે.
રાજકોટથી હાલ મુંબઈ જવા માટે ડેઈલી ફલાઈટ અ/ઈ 655/656 ચાલુ છે જેમા 120 સામાન્ય મુસાફરો તેમજ 6 બિઝનેશ ક્લાસ મુસાફરો મુસાફરી કરી શકે છે. આ ફ્લાઈટ સપ્તાહમાં 4 દિવસ સોમ,મંગળ, બુધ અને શુકવારે ઉડાન ભરશે. હજુ થોડા દિવસો પહેલા જ ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટથી મુંબઈ જવા માટે સવારની ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી હતી. રાજકોટના એરપોર્ટ પરથી હાલ 11 જેટલી ફ્લાઈટની અવર-જવર થઈ રહી છે હવે મુંબઈની વધુ બે સવારની ફ્લાઈટ શરૂ થતા આગામી સમયમાં એક દિવસમાં 13 જેટલી ફ્લાઈટ અવર-જવર કરશે.