ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મોટી મુશ્ર્કેલીમાં ફસાયેલા જણાય છે. અદાણી ગ્રુપ માટે એક પછી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. હવે અદાણી ગ્રુપના હાથમાંથી એક મોટી આંતરરાષ્ટ્રીય ડીલ છીનવાઈ ગઈ છે. કેન્યાની સરકારે ગુરુવારે અદાણી ગ્રુપ સાથેના તમામ સોદા રદ કરવાની જાહેરાત કરી હતી. જેમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બંને સોદા રૂ. 21,422 કરોડના હતા. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અમેરિકામાં અબજો રૂપિયાની લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા બાદ કેન્યાની સરકારે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ કહ્યું- ‘અમારી સરકાર પારદર્શિતા અને ઈમાનદારીના સિદ્ધાંતો પર કામ કરે છે અને દેશની છબી અને હિતોની વિરુદ્ધ હોય તેવા કરારોને મંજૂરી નહીં આપે. અમે એવા કોઈપણ કરારને સ્વીકારીશું નહીં જે આપણા દેશની નીતિઓ અને મૂલ્યોની વિરુદ્ધ હોય. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી પર અમેરિકન પ્રોસિક્યુટર્સે ભારતમાં સોલર પાવર કોન્ટ્રેક્ટ મેળવવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને 265 મિલિયન (લગભગ 2,200 કરોડ)ની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સમાચાર બાદ આજે અદાણી ગ્રુપના લગભગ તમામ શેરમાં ભારે ઘટાડો થયો છે.
- Advertisement -
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપ લગાવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલર એનર્જી કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીને 2,000 કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું. અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનનાં નામ પણ આરોપીમાં સામેલ છે.