આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
65થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યભરમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હજુ પણ ગુજરાત માટે વરસાદી આફત લાવનારા રહેશે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હજુ આજે પણ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે, જે ડીપ ડિપ્રેશન ગુજરાતને માથે સંકટ બનીને સક્રિય થયું હતું તે હાલમાં નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ સક્રિય છે. છેલ્લા ત્રણ કલાક દરમિયાન આ ડીપ ડિપ્રેશન ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેને કારણે હવે આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત પ્રદેશમાં વરસાદની શક્યતા નહીંવત છે.
પરંતુ આ સિવાયની અન્ય બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ વરસાદની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. કારણ કે, આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી બે દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે કઈ-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસે રહ્યો છે તે ત્રણ સિસ્ટમને કારણે વરસી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ ઉપર સક્રિય છે તેની સાથે મોન્સુન તરફ સંકળાયેલો છે. તેને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.
- Advertisement -
રેડ એલર્ટ
કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ
ઓરેન્જ એલર્ટ
ગીર સોમનાથ, દીવ
યલો એલર્ટ
સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી