મેલાન્જ-24માં પ્રેઝન્ટેશન રજૂ કરી દેશ-વિદેશના વિખ્યાત આર્કિટેક્સના કૌશલ્યનો લાભ મેળવ્યો
દેશની ટોચની 20 આર્કિટેક્ચર કોલેજમાં સ્થાન મળ્યાની જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓના વિષયજ્ઞાનના વિવિધલક્ષી નિદર્શનના અદભૂત પ્લેટફોર્મ સમા વી.વી.પી. સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (ઇપ્સા) અને કીચ સ્કુલ ઓફ ડિઝાઇન (કે.એસ.ડી.) આયોજિત ત્રિદિવસીય વાર્ષિક વિદ્યાર્થી મહોત્સવ ‘મેલાન્જ-24’નું દબદબાભર્યું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિદિવસીય સમારોહ દરમિયાન યોજાયેલ પ્રેઝન્ટેશન્સ, પ્રદર્શનો, ચર્ચાસત્રો, મનોરંજન અને સાહિત્યિક કાર્યક્રમોનો સ્થાપત્યકલા તથા આનુસંગિક વિષયો સંલગ્ન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, પ્રેક્ટીસિંગ આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, તેમજ વિશાળ સંખ્યામાં જનસામાન્યએ લાભ ઉઠાવ્યો હતો. સમારોહના મુખ્ય મહેમાન એવા લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેસનના વાઈસ પ્રોવોસ્ટ ડો. વિશાલ ભાદાણીના શુભ હસ્તે મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ-પ્રાગટય થકી સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારોહમાં સ્ટુડંટ કાઉન્સિલના સભ્યો દ્વારા મહેમાનોનું સ્વાગત તેમજ મેલાન્જ મહોત્સવની થીમ ‘કનેક્ટીંગ ડોટ્સ’ની વિભાવનાનું વિવરણ કરવામાં આવેલ હતું.
સંસ્થાના નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીએ પ્રસંગોચિત ઉદબોધનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે ‘આ તમારો કાર્યક્રમ છે અમો તો મહેમાન છીએ’ તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માની ‘ઇપ્સા’ના સીલ્વર જ્યુબીલી વર્ષ તથા તે દરમ્યાન યોજાનાર અનેકવિધ કાર્યક્રમો અંગે જાણકારી તેમજ આગામી સમયમાં ‘ઇપ્સા’ના અન્ય સંસ્થાઓ સાથેના જોડાણની રૂપરેખા આપી હતી.