ઈકો ઝોનનો કાળો કાયદો રદ કરવા સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી કાનુની લડત શરૂ કરવા નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
તાલાલા પંથકમાં ઈકો ઝોનમાં સમાવેશ 24 ગામના સરપંચો,ઉપસરપંચો,પૂર્વ સરપંચો તથા ગ્રામ પંચાયતના સભ્યોની અગત્યની બેઠક આંકોલવાડી ગીર ગામે માધવ પાર્ટી પ્લોટમાં ઈકો ઝોન લડત સમિતિના અગ્રણી વિશાલભાઈ વસોયા(સુરત)નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પ્રજા તથા કિસાનો માટે આફતરૂપ ઈકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો રદ કરવા સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી કાનુની લડત શરૂ કરવા બેઠકમાં સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવેલ…આ માટે ગીર સોમનાથ,જુનાગઢ અને અમરેલી ત્રણ જીલ્લાના ઈકો ઝોનમાં સમાવેશ 196 ગામના સરપંચ,ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોની આગામી દિવસોમાં વિસાવદર ખાતે રાજ્યમાં પ્રથમ વખત યોજાનાર મહાપંચાયત નાં આયોજન ને સંપૂર્ણ સર્મથન આપતો ઠરાવ કરવામાં આવેલ.
- Advertisement -
વિસાવદર ખાતેની મહાપંચાયત સંપૂર્ણ બિનરાજકીય અને સરપંચોની આગેવાની હેઠળ યોજાશે.મહાપંચાયત ના સ્ટેજ ઉપર એક પણ પક્ષના રાજકીય અગ્રણીને સ્થાન આપવામાં આવશે નહીં તેમ બેઠકના અધ્યક્ષ સ્થાને સંબોધન દરમ્યાન વિશાલભાઈ વસોયા એ જણાવ્યું હતું.વિનાશકારી ઈકો સેન્સિટીવ ઝોન નાં કાળા કાયદાથી ઘણા ગામના લોકો હજી અજાણ છે માટે આવી રહેલ ઈકો સેન્સિટીવ ઝોનનાં આફતરૂપ કાળા કાયદાથી લોકોને અવગત કરી 196 ગામોમાં લોક જાગૃતિ ઉભી કરવા આગામી દિવસોમાં લોક જાગૃતિ રથ પરીભ્રમણ કરશે.કાળો કાયદો સંપૂર્ણ રદ કરવા 196 ગ્રામ પંચાયતો દ્રારા સુપ્રિમ કોર્ટમાં સામુહિક અપીલ દાખલ કરી કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે તેમ લડત સમિતિના અગ્રણી વિશાલભાઈ એ ઉમેર્યું હતું.આંકોલવાડી ગીર ગામે યોજાયેલ આ બેઠકનું આયોજન સાથે સંપૂર્ણ વ્યવસ્થા જાવંત્રી ગીર ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચ,જીતેન્દ્રભાઈ ચોથાણી(માધુપુર ગીર),દિલીપભાઈ પાનેલીયા(આંકોલવાડી)એ કરી હતી.આ બેઠકમાં 24 ગામના સરપંચો,ઉપસરપંચો ઉપરાંત પૂર્વ સરપંચો તથા વિવિધ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.