ગીર ગૌવંશને રાષ્ટ્રીય ઓળખ અપાવતો રાજકોટનો ભવ્ય કેટલ શો
મેંદરડાના રાજેસરા ગામે શ્રીયદુનંદન ગીર ગૌશાળા અને ગીર સંવર્ધન કેન્દ્રના ખૂંટની ત્રીજા નંબરે પસંદગી
- Advertisement -
સાંસદ પરષોતમભાઈ રૂપાલાના હસ્તે સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત, ગૌશાળાને અભિનંદન વર્ષા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય રીતે આયોજિત ઈન્ડિયન કેટલ શો 2026માં ગીર જાતિના પશુઓની અનોખી ઝલક જોવા મળી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ શોમાં વિશાળ સંખ્યામાં ગીર વાછરડીઓ, ગૌમાતા અને નંદિઓએ વિવિધ કેટેગરીની હરિફાઈઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોમાં પશુઓની પસંદગી દૂધદોહન ક્ષમતા, બે દાંત, ચાર દાંત સહિત જુદા જુદા માધ્યમના આધારે કરવામાં આવી હતી. નિષ્ણાંત જજોની સમિતિ દ્વારા કડક માપદંડો હેઠળ મૂલ્યાંકન કરી અંતિમ પરિણામ તા. 22-02-2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગીર ખૂંટ (બુલ) હરિફાઈમાં આ વખતે મોટા પ્રમાણમાં બુલોએ ભાગ લીધો હતો. તેમાં શ્રીયદુનંદન ગીર ગૌશાળા- ગીર સંવર્ધન કેન્દ્ર, મુ. રાજેસર, તા. મેંદરડા, જિ. જૂનાગઢના સંચાલક અનિલભાઈ બકોત્રાના ગીર બુલ ‘રામદેવ’ને ત્રીજા ક્રમે પસંદગી થવા પામી હતી. ‘રામદેવ’ના મજબૂત શારીરિક બંધારણ, શુદ્ધ જાતિ લક્ષણો અને પ્રભાવશાળી હાજરીને જજોએ વિશેષ નોંધ લીધી હતી. પરિણામ જાહેર થતા ગૌશાળા તથા સંવર્ધન કેન્દ્ર સાથે સંકળાયેલા કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ ગીર ખૂંટ હરિફાઈમાં ‘રામદેવ’નો કાબેલ દેખાવ રહ્યો.
આ સ્પર્ધાનું પરિણામ પુરષોત્તમ રૂપાલા દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું. તે પ્રસંગે કિરણભાઈ ડાંગર, એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા આગેવાનો અને મિત્રવર્તુળે અનિલભાઈ બકોત્રાને વધાવી લીધા હતા. સામાજિક સંસ્થાઓ, સાધુ-સંતો અને ગીર સંવર્ધન ક્ષેત્રે કાર્યરત આગેવાનો દ્વારા પણ અનિલભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગીર જાતિના સંવર્ધન માટે તેમના સતત પ્રયત્નોને સર્વત્ર પ્રશંસા મળી રહી છે. ઈન્ડિયન કેટલ શો 2026 દ્વારા ગીર જાતિના સંવર્ધન અને પ્રોત્સાહન માટે સકારાત્મક સંદેશો પ્રસર્યો છે. આવા આયોજનો દ્વારા પશુપાલકોમાં ઉત્તમ જાતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધે છે અને ગુજરાતની ગૌરવશાળી ગીર જાતિને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળે છે.આ પ્રસંગે ગીર સંવર્ધન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ અને પશુપાલકો માટે આ શો પ્રેરણારૂપ સાબિત થયો છે.



