ઓમકાર ટ્રસ્ટ સંચાલિત સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ
મોટા મવા સ્મશાનમાં જરૂરી સુવિધા તાત્કાલિક પૂર્ણ કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
રાજકોટમાં અત્યારે 9 સ્મશાન કાર્યરત છે જ્યાં ઈલેક્ટ્રિક અને લાકડાં પર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જોકે ઈલેક્ટ્રિક ભઠ્ઠીનું બિલ લાખોમાં આવતું હોવાને કારણે મહાપાલિકા તેમજ સ્મશાનનું સંચાલન સંભાળનાર ટ્રસ્ટને આર્થિક ફટકો પડી રહ્યો હોય તેમાં ઘટાડો લાવવા માટે ગેસનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોટામૌવા સ્મશાનમાં પણ ગેસ આધારિત ચીમની ફિટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને હજુ પણ આ કાર્ય પૂર્ણ થતાં ચાર મહિના જેટલો સમય લાગી જશે એવું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના મોટા મૌવા વિસ્તારના લોકો સ્મશાનની રાખ અને દુર્ગંધને કારણે ભારે પરેશાન છે. અગાઉ પણ આ વિસ્તારના રહીશોએ વહેલી તકે ઈલેક્ટ્રીક ભઠ્ઠીના સમારકામની માગ કરી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા કેટલાય મહિનાથી ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં ખામી સર્જાઈ છે, પરંતુ તેનું સમારકામ કરવામાં આવતું નથી અને ગેસ આધારિત ઈલેક્ટ્રીક ભઠ્ઠીની ચીમનીનું કામકાજ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જે કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠી છે.
રાજકોટનું મોટામૌવા સ્મશાન પશ્વિમ વિસ્તારનું સૌથી મોટું સ્મશાનગૃહ છે, જેનું સંચાલન ઓમકાર ટ્રસ્ટ દ્રારા કરવામાં આવે છે. અહીં ઈલેટ્રીક ભઠ્ઠી પણ બંધ છે, આ સિવાય સ્વચ્છતા અને અન્ય માળખાકીય સુવિધાઓનો ભયંકર અભાવ હોય અહીં પોતાના સ્વજનોની અંતિમક્રિયા માટે આવતા ડાઘુઓને ભારે હાલાકી પડી રહી છે. જાણવા મળતી વિગત મુજબ આ સ્મશાનગૃહમાં કામ કરતા સેવાભાવી લોકોને પગાર પણ પૂરો આપવામાં આવતો નથી. મોટામૌવા સ્મશાનમાં સારી સુવિધા, સ્વચ્છતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અંતિમ ક્રિયા થઈ શકે તે માટે કોર્પોરેશન અને સંચાલિત સંસ્થાએ ઝડપથી ઘટતું કરવું અનિવાર્ય છે.