ગુજરાતના પાયાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો સૂર્યોદય થશે
બાળકોને માત્ર રમકડાં જ નહીં, આધુનિક શૈક્ષણિક કિટ અને ટેક્નોલોજીથી અપાશે શિક્ષણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના પાયાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં 3691 આંગણવાડી કાર્યકરની બે દિવસીય સઘન તાલીમ આપી છે. આ તાલીમ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતની આંગણવાડીઓને ‘હાઈટેક પ્રિ-સ્કૂલ’ માં પરિવર્તિત કરવાની દિશામાં એક મજબૂત કદમ છે.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીને એક એવી ‘પ્રિ-સ્કૂલ’ તરીકે વિકસાવવાનો છે જ્યાં બાળકને ખાનગી પ્લે-ગ્રૂપ જેવું વાતાવરણ મળે. વિષય નિષ્ણાતો દ્વારા કાર્યકરોને શીખવવામાં આવ્યું છે કે, કેવી રીતે રમતગમતની સાથે બાળકોમાં અક્ષરજ્ઞાન, અંકજ્ઞાન અને સામાજિક મૂલ્યોનું સિંચન કરવું. આધુનિક શૈક્ષણિક કિટ અને મોડ્યુલ દ્વારા બાળકોને ભણતર પ્રત્યે રુચિ જાગશે, જેથી પ્રાથમિક શાળામાં પ્રવેશતા પહેલા તેમનો પાયો મજબૂત બની જશે.
પરંપરાગત રીતે આંગણવાડીઓ માત્ર પોષણ અને રસીકરણના કેન્દ્ર તરીકે ઓળખાતી હતી, પરંતુ હવે આ છબી બદલાઈ રહી છે.
આ તાલીમ બાદ હવે રાજ્યની આંગણવાડીઓમાં બાળકોને માત્ર રમકડાં જ નહીં, પરંતુ આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અને ટેક્નોલોજીના સથવારે પાયાનું શિક્ષણ આપવામાં આવશે. આ 3691 કાર્યકરો જ્યારે પોતાના કાર્યક્ષેત્રમાં હાજર થશે, ત્યારે તેઓ પોતાની સાથે આધુનિક વિઝન અને ટેક્નોલોજીનું જ્ઞાન લઈને જશે. ગામડાં અને શહેરોના છેવાડાના બાળકો જ્યારે ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવશે, ત્યારે સાચા અર્થમાં ‘વિકસિત ગુજરાત’નું સ્વપ્ન સાકાર થશે. રાજ્ય સરકારનું આ પગલું સાબિત કરે છે કે, ભવિષ્યની પેઢીને તૈયાર કરવા માટે હવે આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર નથી રહી, પણ તે ટેક્નોલોજી અને જ્ઞાનના આધુનિક કેન્દ્રો બની રહી છે. આ તાલીમબદ્ધ કાર્યકરો ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા સાબિત થશે. તાલીમ પામેલા કાર્યકરો હવે માતા અને બાળકના આરોગ્યના રક્ષક તરીકે વધુ સક્ષમ બન્યા છે.
કિશોરીઓ માટેની યોજનાઓનું ડિજિટલ ટ્રેકિંગ હવે પૂર્ણા ક્ધસલ્ટન્ટ અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટના માર્ગદર્શન હેઠળ વધુ સચોટ બનશે.



