તાલાલા પંથકમાં આંગણવાડી બહેનોએ ઑનલાઇન સરકારી કામગીરીનો બહિષ્કાર કર્યો
ગુજરાત નામદાર હાઇકોર્ટે હુકમ કરેલ છતાં પણ પગાર વધારાયો નથી: આંગણવાડી બહેનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકના 45 ગામના આંગણવાડી ની બહેનો એ સરકાર દ્વારા બિનકાયદેસર કરાવવામાં આવતી ઓનલાઇન સરકારી કામગીરીનો બહિષ્કાર કરી બધી જ બહેનોએ સરકારે આપેલ સીમ કાર્ડ સામુહિક પરત કર્યા છે.
તાલાલા પંથકની 45 ગામની આંગણવાડી નાં વર્કર તથા હેલ્પર બહેનો ની અગત્યની બેઠક મીનાક્ષીબેન આંકોલા નાં અધ્યક્ષ સ્થાને બ્રહ્મેશ્વર મંદિરમાં યોજાઈ હતી.આ બેઠકમાં આંગણવાડી બહેનોને ન્યાય અપાવવા ભારતીય મજદૂર સંઘ સંલગ્ન અખીલ ભારતીય આંગણવાડી કર્મચારી મહા સંઘ દ્વારા શરૂ થયેલ લડતને સંપૂર્ણ સમર્થન જાહેર કરી સરકાર દ્વારા આપવામાં આવેલ સીમ કાર્ડ પરત કરવા નિર્ણય લેવાયો હતો.તાલાલા તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી ને સીમ કાર્ડ પરત કરતા આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે આંગણવાડી વર્કર બહેનોને રૂ.24800 તથા હેલ્પર બહેનો રૂ.20 હજાર પ્રતિ માસ પગાર ચુકવવા ગુજરાત નામદાર હાઇકોર્ટે હુકમ કરેલ છતાં પણ આંગણવાડી બહેનોનો પગાર વધારવામાં આવેલ નથી.
આ ઉપરાંત બી.એલ.ઓ તથા આંગણવાડી સિવાયની અમારા ફરજમાં આવતી નથી તેવી સરકારની અનેક કામગીરી આંગણવાડી બહેનો પાસેથી કરાવી બહેનો ઉપર બિનકાયદેસર ખોટું કામનું ભારણ નાખવામાં આવે છે તેના વિરોધમાં તા.10 મી નવેમ્બર અમદાવાદ ખાતે આંગણવાડી બહેનોની વિશાળ આક્રોશ રેલી નીકળશે જેમાં રાજ્યભરની બહેનો સાથે તાલાલા પંથકની બહેનો પણ આ રેલીમાં જોડાવવા અમદાવાદ જશે.
તાલાલા પંથકની આંગણવાડી બહેનોએ સીમકાર્ડ પરત કરતા આંગણવાડી બહેનો દ્વારા થતી ઓનલાઈન સરકારી તમામ કામગીરી ઠપ થઈ છે.તાલાલા આંગણવાડી બહેનોની બેઠકમાં તમામ ગામની વર્કર તથા હેલ્પર તરીકે ફરજ બજાવતા બહેનોએ ભાગ લીધો હતો.



