ભારતનું ભવિષ્ય રેંકડી પર!
તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના વોર્ડ નં. 3માં આવેલા રૂખડિયાપરાની આંગણવાડીના બાળકોનું સ્વાસ્થ્ય ખુલ્લી ગટરના કારણે જોખમમાં મૂકાયું છે. અનેકવાર સ્થાનિકો દ્વારા આ ખુલ્લી ગટરને બંધ કરવાની માંગ કરવામાં આવી છે છતાં આ વોર્ડના કોર્પોરેટરો દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખુલ્લી ગટરના કારણે રૂખડિયાપરાના બાળકો રેંકડીમાં આંગણવાડી આવવા મજબૂર બન્યા છે. જો આ રીતે ભણશે તો ગુજરાત આગળ કેવી રીતે વધશે તેવો પ્રશ્ર્ન સ્થાનિકોના મનમાં ઉઠી રહ્યો છે. ખુલ્લી ગટરના કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે. આ વિસ્તારમાં ખુલ્લી ગટર ઉભરાવાના કારણે બાળકો માંદગીનો શિકાર બની રહ્યો છે. અવારનવાર આ ખુલ્લી ગટર ઉભરાઈ છે. તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ફળતાનો ભોગ બાળકો બની રહ્યા છે. આંગણવાડીના શિક્ષિકા દ્વારા અવારનવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખુલ્લી ગટરના કારણે આંગણવાડીમાં બાળકોની હાજરીમાં પણ ઘટાડો થયો છે. એક બાજુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે તો બીજીબાજુ આવી સ્થિતિને લઈને શિક્ષણને બ્રેક લાગી રહી છે. આમ સ્થાનિક તંત્રની નિષ્ફળતાના કારણે બાળકો શિક્ષણથી વિખૂટા પડી રહ્યા છે. ખુલ્લી ગટરને બંધ કરાવવા સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ યોગ્ય પગલાં તંત્ર દ્વારા લેવામાં આવતા નથી.