શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જલાભિષેક, મહાપૂજા કરી રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રાર્થના કરી; ટ્રસ્ટ દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
સોમનાથ: દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી પધાર્યા હતા. પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે તેઓએ આશુતોષ ભગવાન સોમનાથના ભાવપૂર્વક દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની આ મુલાકાતથી તીર્થધામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
મહાપૂજા અને જલાભિષેક અનંત અંબાણીએ મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેઓએ મહાપૂજાનો સંકલ્પ કરી ભગવાનને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. ભક્તિભાવ સાથે તેઓએ રાષ્ટ્રની પ્રગતિ અને લોકકલ્યાણની મંગલ કામના કરી હતી. મુખ્ય મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓએ સમુદ્ર કિનારે સૂર્યનારાયણ ભગવાન અને શ્રી કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે પણ શીશ નમાવ્યું હતું.
યાત્રી સુવિધાઓ માટે 5 કરોડનું શિવાર્પણ સોમનાથ તીર્થમાં સતત વધી રહેલી યાત્રીઓની સંખ્યા અને સુવિધાઓના વિકાસ માટે અનંત અંબાણીએ ઉમદા ફાળો આપ્યો હતો. તેઓએ સોમનાથ ટ્રસ્ટના વિવિધ યાત્રિલક્ષી પ્રકલ્પો માટે રૂ. 5 કરોડની રાશિ શિવાર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને મહાદેવનું ચિત્ર અને પવિત્ર પ્રસાદ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.



