ભૂપેન્દ્રભાઈ પટેલ.. આપશ્રીના નામ ‘ભૂપેન્દ્ર’નો એક અર્થ થાય છે, રાજા. આપ આ રાજ્યના રાજા છો, મુખ્યપ્રધાન છો. જેમ કોઈપણ રાજ્યની પ્રજા તેમના રાજા પાસે એક આશા-અપેક્ષા રાખે છે તેમ અમારી પણ આપની પાસે એક આશા-અપેક્ષા છે. ગુજરાતના પ્રધાન અને ગુજરાતીઓના જનપ્રતિનિધિ તરીકે આપશ્રી સૌરાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના વર્તમાન સાથે ચેડા કરનારા પર કોઈપણ કાળે કડક કાર્યવાહી કરો. સરકારી શૈક્ષણિક સંસ્થાઓને ભ્રષ્ટ કુલપતિ, રજીસ્ટ્રાર, ચેરમેન, શાસનાધિકારીથી મુક્ત કરો. આપશ્રી સૌરાષ્ટ્રમાં શિક્ષણની કથળતી સ્થિતિને ફરીથી સુવ્યવસ્થિત બનાવશો એવી દરેકની દિલીઈચ્છા છે.
આજથી એક વર્ષ અગાઉ જ્યારે તમારી મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી ત્યારે તરત જ વિચાર આવ્યો હતો હવે કેન્દ્રમાં નરેન્દ્ર અને રાજ્યમાં ભૂપેન્દ્ર.. વિજયભાઈ રૂપાણીની ખોટ ભૂપેન્દ્રભાઈ પટેલ સાલવા નહીં દે. ગુજરાતના સૂકાની તરીકે સંવેદનશીલ મુખ્યમંત્રીની જગ્યાએ દયાળુ મુખ્યમંત્રી આવ્યા છે. આપશ્રી ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા અને એક વર્ષથી મુખ્યમંત્રીનો પદભાર પણ સંભાળતા આવ્યા છો. અમને એવું જાણવા મળ્યું છે કે, આપ દયાળુ દાદા તરીકે ઓળખાવ છો, આપની કાર્યપદ્ધતિમાં દયાભાવના જોવા મળે છે પરંતુ અફસોસ આપની દયાભાવનાથી કેટલાક દાનવોનો જન્મ થયો છે. સરસ્વતીના ધામમાં જન્મેલા દાનવોને ડામવા આપશ્રી શિક્ષણની પાળ પીટી નાખનારાઓ પ્રત્યે દયાભાવ છોડી કઠોરભાવ દાખવો એવી અમારી પ્રાર્થના છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપર ફૂટવાથી માંડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુધી જ્યાં જુઓ ત્યાં શિક્ષણનું ચિરહરણ
એક તરફ આપ ડબલ એન્જિન સરકારની વાત કરો છો, બીજી તરફ આપની જ પાર્ટીનાં ભ્રષ્ટ લોકો પાટાં જ ઉખેડી રહ્યાં છે, ટ્રેન ચાલશે શેનાં પર?
મુખ્યમંત્રીજી.. અત્યંત દુ:ખ સાથે જણાવવું પડે છે કે, આપશ્રીના શાસનાકાળમાં સૌરાષ્ટ્રમાં શિક્ષણની દુર્દશા થઈ રહી છે. સૌરાષ્ટ્રની સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, સંકુલો અને કચેરીઓ ગરબડ, ગોટાળા અને ગોલમાલનો ગઢ બની ગયા છે. આ પાછળ જવાબદાર માત્રને માત્ર તમારી સરકાર, તમારા પક્ષના કાર્યકરો-કર્મચારીઓ પ્રત્યે તમારી દયા-માયા જ કહેવાય છે. આપને ખ્યાલ હશે સૌરાષ્ટ્રના શિક્ષણ-જગતમાં શું ચાલી રહ્યું છે. રાજકોટની એક સદી જૂની શાળા હમણાં ખાનગી ટ્રસ્ટને સોંપાઈ ગઈ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કે પછી અહીંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ.. જ્યાં જૂઓ ત્યાં માત્ર ગેરરીતિ અને ગેરવહીવટ જ જોવા મળી રહ્યો છે. આપ અને આપના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, અધિકારીશ્રીઓ સુધી વારંવાર આ અંગે અનેક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં હજુ સુધી પરિણામ શૂન્ય છે. એક વર્ષમાં આપશ્રીને એકવાર પણ એકપણ રજૂઆત ધ્યાનમાં લેવાનો સમય મળ્યો નહીં? અરે આ તો અન્યાય સહન કરી રહેલાઓને ન્યાય અપાવી પુણ્ય મેળવવાનો અવસર છે. જો રાજા જ પ્રજાનું નહીં સાંભળે તો પ્રજાનો ભરોસો રાજા પરથી ઉઠી જશે. અને તમે જ કશું નહીં કરો તો કોણ કરશે?
- Advertisement -
તમારી સરકારના શિક્ષણમંત્રી ફૂલટાઈમ પ્રવક્તાની ભૂમિકામાં હોય છે, શિક્ષણનું સ્તર સુધારવામાં તેઓને જરા પણ રસ નથી. તેઓ રાજકોટના પ્રભારી મંત્રી છે છતાં તેમની આંખ આડા કાન અને મોં આડા હાથ કરવાની નીતિને પ્રતાપે અહીં શિક્ષણ સાથે સંકળાયેલી આખી વ્યવસ્થા અસ્ત, વ્યસ્ત, ભ્રષ્ટ થઈ ચૂકી છે. તમે થોડી તપાસ કરી જોશો તો જ્યાં જૂઓ ત્યાં માત્ર ગેરરીતી – ગેરવહીવટ જ ચાલતો નજરે પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાશવારે પેપર ફૂટે છે, વિચાર્યા પણ ન હોય એવા નીતનવા કાંડ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવા આપશ્રીની સરકારને એક વર્ષથી કોઈ લાયક વ્યક્તિ મળી રહી નથી અને ઈન્ચાર્જ કુલપતિના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિ. માત્રને માત્ર ભ્રષ્ટાચારની યુનિવર્સિટી બની ગઈ છે. અહીંથી થોડે દૂર આવેલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી જ સ્થિતિ છે. અહીં તમારી સરકારે કુલપતિની નિમણૂંક તો કરી પણ ગેરકાયદે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પોતાની નિમણૂંક યોગ્ય સાબિત કરી શકતા નથી. ખેર એ છોડો, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો હવે કૌભાંડોની સમિતિ તરીકે પંકાઈ ચૂકી છે.ત્યાં પણ ભાજપ સરકાર કશી કાર્યવાહી કેમ ન કરી શકી?
એક વર્ષમાં આપને એકપણ રજૂઆત ધ્યાનમાં લેવાનો સમય મળ્યો નહીં?
આ તમામ બાબતો જગજાહેર છે છતાં આપશ્રીની જાણમાં છે કે નહીં તેનો ખ્યાલ નથી પણ હા, વારંવાર અમરેલીની કોલેજોમાં જે કંઈપણ થાય છે તે કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિની સાઠગાંઠ છે, તેનું મૂળ-કુળ અમરેલીમાં જ છે. એક સમયના ગ્રંથપાલ રજીસ્ટ્રાર બની બેઠા છે. કૃષિ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પણ પોતાના પદ પર લાયક નથી, તેમની નિમણૂંકમાં ગજબની ગોબાચાળી થઈ છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં આપના પક્ષ દ્વારા એક કાર્યકરને ચેરમેન બનાવી વાનરના હાથમાં નિસરણી આપી દીધી હોય એવો ઘાટ છે. અહીં શાસનાધિકારી અને શિક્ષક સંઘના પ્રમુખ સાથે મળી તેણે કૌભાંડો કરવામાં પંડિતાઈ હાંસલ કરી લીધી છે. રાજકોટ શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ રાજકોટ મહાપાલિકાની સરકારી શાળાઓમાં ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયા ચાઉં કરી લીધાં છે. આગળ જતાં આ તમામ મહાશયો આપના પક્ષને ફાયદારૂપ થઈ શકે છે પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં આજ સુધીનું આ સૌથી મોટું દૂષણ કહેવાય રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ યાદ રાખજો.. શિક્ષણની દુર્દશા કરનારાઓ પ્રત્યે દયા-માયા રાખી કશું ન કરવાથી ફક્ત તમારી સરકાર કે તમારા પક્ષની આબરૂનું ધોવાણ નથી થઈ રહ્યું, લાખો વિદ્યાર્થીઓનું વર્તમાન ગોબરું અને ભાવી ધૂંધળું થઈ રહ્યું છે માત્રને માત્ર આપશ્રીની શિક્ષણના શૈતાનોને સજા ન કરવાની ઢીલાશ, આળશ કે પછી નરમાશને કારણે..
સમાચારોમાં સરકારી શૈક્ષણિક ખાતાઓની પોલ ખૂલે છે એટલે આપશ્રીને અને આપના મંત્રીશ્રીને ફરજિયાત તપાસના આદેશ કરવા પડે છે, સમગ્ર મામલે અહેવાલ સોંપવાની સૂચના આપવી પડે છે. જવાબદારને છોડવામાં નહીં આવે એવી બાહેંદરી આપવી પડે છે. આ નાટકોના અંતે શું થાય છે? તમારા શાસનમાં ભ્રષ્ટાચારીને સજા થાય તો ભ્રષ્ટાચાર થયો કહેવાય. તમારા શાસનમાં તો કોઈ ભ્રષ્ટાચાર કરતું જ નથી એટલે ભ્રષ્ટાચારીઓને સજા મળવાની વાત જ ક્યાં આવી.. ખરું ને? આપણે દિલ્હીની સરકારી શાળા-કોલેજોની વાત કરીએ છીએ પણ આપણા રાજ્યની શાળા-કોલેજો કેવી છે? શું સુધાર કે બદલાવની જરૂર છે એની ચર્ચા આપણે કરતા નથી. ચૂંટણી આવે છે એટલે કેટલાંકના ચહિતા થવા શિક્ષણમંત્રી શિક્ષકો ભરતી કરવાની ખાલીખોટી જાહેરાત કરે છે, હકીકતમાં આપ યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસર કે શિક્ષણ સમિતિમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ પર સામાન્ય ભરતી પણ કરી શકતા નથી. આવું તો કેટકેટલુંય છે અને આ બધેબધું તો આપશ્રીને ખબર નહોય, આપની જાણમાં નહોય એવું ન બની શકે.
હમણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે. આપ પણ મુખ્યમંત્રી તરીકે તેમની સાથે જ હશો અને રાજકોટ આવશો. એ પછી પણ ઘણીવાર સૌરાષ્ટ્રમાં આવશો જ. એકવાર ભ્રષ્ટાચારનો ભોગ બનેલા આ સ્થળ કે પીડિતોની પણ મુલાકાત લેશો. તમને એ પણ જણાવી દઈએ કે હમણાં આપશ્રી રાજકોટમાં જે જગ્યા પર પધારી ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર પોકારવાના છો એ જગ્યાની પાસે જ તમારી સરકાર અને તમારા પક્ષના કેટલાંક લોકો શિક્ષણના ક્ષેત્રમાં ભયંકર કૌભાંડો આચરી બેઠા છે. ગવર્મેન્ટ ગ્રાન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. ભૂલકાઓના ભાગનું પોતે ભોગવી રહ્યા છે. જો આપની અંદર થોડીપણ માસૂમ બાળકો અને નિર્દોષ વિદ્યાર્થીઓ માટે કરુણા હોય તો સૌરાષ્ટ્રની ધરતી પર પધારતા પહેલા કઠોરભાવ દાખવી એ ભ્રષ્ટાચારીઓ પર પગલાં ભરી ખરા અર્થમાં ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર સાર્થક કરશો અને અમારો તમારા પરનો ભરોસો અકબંધ રાખશો..
દાદા ભગવાનની અસીમ કૃપા આપની પર બની રહે.. દાદા ભગવાનના જય જયકાર..