કળયુગમાં શ્રવણની પ્રતીતિ કરાવતો દીકરો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ અંધ માતા-પિતાને કાવડમાં દેશના તિર્થસ્થાનોની યાત્રા કરાવનાર પાત્ર શ્રવણકુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દ્રષ્ટાંત છે. જેને કારણે વડીલોની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ મળતી રહે છે. આધુનિક યુગમાં આવું જ એક દ્રષ્ટાંત કર્ણાટકના મૈસુર શહેરના ડી. કૃષ્ણકુમારે પોતાની 73 વર્ષની માતાને ભારતના તમામ ધામોની યાત્રા કરાવીને આપ્યું છે. તેઓની માતૃ સેવા સાથેની યાત્રાની વિશિષ્ટતાએ છે કે, તેણે પોતાની માતાને આ યાત્રા 23 વર્ષ જુના સ્કુટર ઉપર કરાવી રહ્યા છે. 75,420 કીલોમીટરનું અંતર કાપી આ શ્રવણ યાત્રા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે પહોંચી હતી. ડી.કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, તેમની માતા ચુડારત્નમ્માએ આખી જીંદગી ઘરકામમાં જ વિતાવી દીધી છે. 2015 માં પિતાના અવસાન બાદ તેમણે રાત્રે ભોજન બાદ માતા સાથેની વાતચીતમાં પુત્રે માતાને આસપાસના તીરૂપતિ બાલાજી સહિતના પ્રમુખ તીર્થસ્થાનોની મુલાકાતે ન જઈ શકવાનું પૂછતાં માતાએ જણાવેલ કે તેઓ તો નજીકના સ્થાનીય તીર્થોની પણ મુલાકાત લઈ શકયા નથી.
- Advertisement -
માતાના આવા જવાબ બાદ કૃષ્ણકુમારે માતાને ભારત ભ્રમણ કરાવવાનો સંકલ્પ કર્યો અને બેંગ્લોરમાં કોર્પોરેટ એન્જીનીયર તરીકેની નોકરીમાંથી 14 જાન્યુઆરી, 2018 માં રાજીનામું આપી 16 જાન્યુ.2018 થી માતા સાથે માતૃ સેવા સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. બાવીસ વર્ષ પહેલાં પિતા તરફથી મળેલ ટુવ્હીલરમાં જ માતા-પુત્રે ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીના દેશના અનેક રાજ્યોના તીર્થથાનો, મંદિરોની મુલાકાત લીધી છે અને નેપાલ ભુટાન મ્યાનમારમાં પણ આજ સ્કૂટરમાં ભ્રમણ કરે છે. તેઓ માને છે કે પિતા તરફથી મળેલ ગીફ્ટ હોય તેમની આ ભારત ભ્રમણ યાત્રામાં તેઓ બે નહિં પરન્તુ તેમના પિતા પણ સાથે જ છે અને સફરમાં સાથે જ છે તે ભાવના સાથે ભારત ભ્રમણ કરી રહયા છે.નોંધનીય છે કે,વર્તમાન યુગમાં આધુનિકતાની આંધણી દોટ વચ્ચે સંતાનોને મોટાભાગે વૃદ્ધ મા-બાપ માટે સમય મળતો નથી યા તો ફાળવી શકતા નથી. પરન્તુ આજના યુગમાં પણ લોકમુખે ‘શ્રવણ કુમાર’નું બિરુદ પ્રાપ્ત કરનાર કર્ણાટકના યુવાને અનોખી માતૃભકિત કરતાં વૃદ્ધ માતાને છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 75 હજાર કિમીથી વધુની યાત્રા ટુ-વ્હીલરથી કરી માતૃભકિતની અનોખી મિસાલ કાયમ કરી છે.