– ધનનો નાશ, મનમાં થયેલું દુ:ખ, પત્નીની ચાલચલગત, પોતે છેતરાયાની બાબત અને પોતાનું અપમાન.
કથામૃત: સપ્ટેમ્બર 2004ની આ વાત છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયા હતા. દક્ષિણ આફ્રિકાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા નેલ્સન મંડેલા પ્રત્યે ડો. કલામને ખૂબ આદરભાવ હતો. આથી તેઓ નેલ્સન મંડેલાને મળવા માટે એમના નિવાસસ્થાને ગયા હતા. નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકાની મુક્તિ માટે 27 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. શરૂઆતમાં રૂબેન ટાપુ પર અને ત્યાર બાદ પોલસ્મૂર જેલ તથા વિક્ટર વેસ્ટર જેલમાં વિતાવેલા આ 27 વર્ષ દરમિયાન ડો. મંડેલા પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતાં. કોઈ કલ્પના પણ ન કરી શકે એવી પારાવાર યાતનામાંથી નેલ્સન મંડેલા પસાર થયા હતા.
- Advertisement -
ડો. કલામ જ્યારે નેલ્સન મંડેલાને મળ્યા ત્યારે એમણે મંડેલાને પૂછ્યું, તમે, 27 વર્ષ સુધી જેલમાં રહ્યા અને ઘણી યાતનાઓ સહન કરી. જ્યારે તમારી જેલમુક્તિનો નિર્ણય લેવાયો અને તમે જેલમાંથી મુક્ત થયા ત્યારે જેલમાંથી બહાર આવતી વખતે તમને કેવા વિચારો આવતા હતા? એ સમયની તમારી મનોદશા કેવી હતી ? મંડેલાએ જવાબમાં કહ્યું, હું મુક્તિ તરફ આગળ દોરી જતા દરવાજામાંથી બહાર આવી રહ્યો હતો. મને એ સમયે અંદરથી એવો અહેસાસ થયો કે આજે હું જેલમુક્ત થઈ રહ્યો છું પરંતુ જો હું ધૃણા, કટુતા કે તિરસ્કાર મારી સાથે લઈને નીકળીશ, તો જેલમાંથી બહાર નીકળ્યા પછી પણ આ બંધનોમાંથી મુક્ત નહીં રહી શકું. જો નફરત સાથે બહાર નીકળીશ તો જેલમાંથી બહાર આવ્યા પછી પણ હું મુક્તિનો આનંદ નહીં માણી શકું. આથી આ બધું પાછળ મૂકીને હું જેલના દરવાજાની બહાર આવ્યો. જો આ બધું સાથે લઈને નીકળ્યો હોત તો આજે પણ હું એક અદ્રશ્ય જેલમાં જ હોત.
નેલ્સન મંડેલાની આ ક્ષમાશીલતાએ એમને વિશ્વનાં આદરપાત્ર વ્યક્તિઓમાં સ્થાન અપાવ્યું.
બોધામૃત:
- Advertisement -
ક્ષમા આપવાથી સામેવાળાને પણ શાંતિ થાય છે અને ખુદને પણ શાંતિનો અનુભવ થાય છે. માફ કરવાને બદલે મનમાં ભરીને જીવીશું તો શાંતિનું સ્થાન અશાંતિ લઇ લેશે.
અનુભવામૃત:
પ્રેમ કરતા શીખવું છે? ક્ષમા કરતા શીખી જાઓ.
-મધર ટેરેસા