આખલો બાઇક સાથે અથડાતાં પટકાયેલા યુવક ઉપર ડમ્પર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે કાલાવડ રોડ ઉપર વાજડી પુલ પાસે રખડતા બે આખલા વચ્ચે ધીંગાણું ચાલતું હતું તેને તારવવા જતા એક આખલો બાઈક સાથે અથડાતા બાઈક સ્લીપ થતા યુવાન રોડ પર પટકાયો હતો તેની પાછળ આવતું રેતી ભરેલું ડમ્પર યુવાન પર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ઇજા થઈ હતી.
મૂળ પોરબંદરના વતની અને હાલ રાજકોટમાં રહેતો ચિરાગભાઈ જગદીશભાઈ ચીકાણી ઉ. 35 અને નીતિનભાઈ મગનભાઈ રાઠોડ ઉ 27 બંને મેટોડામાં આવેલ યુનિટેક કંપનીમાં નોકરી કરતા હોય બાઇક લઈ નોકરી પર જઈ રહ્યા હતા નીતિનભાઈ બાઈક ચલાવતા હતા અને ચિરાગભાઈ તેની પાછળ બેઠા હતા વાજડી પુલ પર બે ખુટિયા વચ્ચે આખલા યુધ્ધ ચાલતું હતું તેમા એક વિફરેલો આખલો બાઈક પાછળ બેસેલ ચિરાગ સાથે અથડાતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. ચિરાગ જમીન પર પટકાયો અને તેની ઉપર પાછળ આવતું રેતી ભરેલું ડમ્પર ફરી વળ્યું હતું. જ્યારે નીતિનભાઈ બીજું બાજુ પડ્યા હોય તેમને સામાન્ય ઇજા થઇ હતી બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને 108માં કોલ કરતા 108ના સ્ટાફે ચિરાગને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં મેટોડા પોલીસ સ્ટેશનણો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી યુવકના મોતથી બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.