ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીવનની કઠોર વાસ્તવિકતાએ જેમના માથેથી માતા-પિતાનો છાંયો છીનવી લીધો છે, એવા અનાથ બાળકો માટે શિક્ષણ મેળવવું એક દુષ્કર સમાન છે. સુવિધાઓના અભાવે જેમનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, તેવા નિરાધાર બાળકોના જીવનમાં આશાનું એક તેજસ્વી કિરણ બનીને ઉભર્યા છે યુવા સામાજિક અગ્રણી અને શેર વિથ સ્માઈલ એન.જી.ઓ. પરિવારના અભિરાજ તલાટીયા.હૃદયમાં કરુણાનો સાગર અને સેવાનો અખૂટ જુસ્સો લઈને અભિરાજ તલાટીયાએ વોર્ડ નંબર 11ના આંગણવાડીથી ધોરણ 12 સુધીના અનાથ બાળકોને શિક્ષણની ભેટ આપવાનું બીડું ઝડપ્યું છે. જે બાળકો પાસે ભણવા માટે સાધનો પણ નથી, તેમને એજ્યુકેશન કીટ આપીને તેઓ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ એક ઉજ્જવળ ભવિષ્યની દિશા પણ ચીંધી રહ્યા છે. આ સેવાકાર્યના મહત્વને સમજીને સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ, રાજકોટ શહેર પ્રમુખ, મેયર, પ્રભારીઓ અને કોર્પોરેટરઓ સહિત અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપશે અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે.



