ટ્રાફિક સમસ્યાના ઉકેલ વગર મેળા માટે પ્લોટ ભાડે આપશે મનપા
મેળા સંચાલકોને 30ટકા પાર્કિંગની જગ્યા રાખવા કહ્યું પણ મનપા પોતે રસ્તો રિપેર કરશે કે ડાયવર્ઝન આપશે તેવી કોઇ વાત જ નહિ
- Advertisement -
રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ પ્રથમ વખત લોકમેળાનું આયોજન થઇ રહ્યું છે અને તે સાથે જ મહાનગરપાલિકાએ પણ પોતાના પ્લોટ ખાનગી મેળા માટે ભાડે આપવાના ટેન્ડર કરાયા છે, પણ આ પ્લોટ બાદ ઊભી થતી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા માટે મનપાએ કોઇ જ આયોજન નથી કર્યું. ત્રણ પ્લોટમાંથી નાનામવા સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે જ્યારે અમીન માર્ગના છેડેના પ્લોટ ચોક પર ન હોવાથી કે.કે.વી. સર્કલ કે ત્યાં પણ બ્રિજ બને છે ત્યાં અને બિગબઝાર પાસે ટ્રાફિકની સમસ્યા વકરશે.
નાનામવા સર્કલ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ સૌથી જોખમી અને મહત્ત્વના સ્ટેજ પર છે જેમાં બંને તરફથી જે કામ ચાલુ થયા હતા તેના બંને ગર્ડરને ચોકની વચ્ચે જોડવાનું બાકી છે. આ માટે ટ્રાફિકની સ્થિતિને જોઈને રાત્રે કામ ચાલુ રખાય છે. આ ઉપરાંત વરસાદ અને ભારે વાહનને કારણે રોડ પણ ખખડધજ થયો છે. આવા સમયે ચોક પરનો જ પ્લોટ ભાડે આપવા ઈરાદો જાહેર કરાયો છે. મેળામાં રાત્રે જ ભીડ હોય છે તેથી લોકોને તે મેળામાં જવું હોય તો ચોક જ એકમાત્ર રસ્તો છે કારણ કે જો લક્ષ્મીનગર તરફથી ટ્રાફિક આવે તો પણ ચોકમાંથી જમણી બાજુ વળવું પડે.
જોખમી કામ અને ચોક જ એકમાત્ર રસ્તો છતાં ત્યાં રોડ રિપેરિંગ તેમજ ટ્રાફિક વ્યવસ્થા માટે શું કરવું પડશે તેનું કોઇ આયોજન કરાયું નથી અને પાર્કિંગના નામે પ્લોટની 30 ટકા જગ્યા અનામત રાખવી પડશે તેવું જણાવી દેવાયું છે. આ કારણે ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરવાની છે અને અકસ્માતનું પણ જોખમ છે. 150 ફૂટ રિંગ રોડ અને અમીન માર્ગના ખૂણે ફૂડ કોર્ટની સામે મનપાનો પ્લોટ છે તેને ભાડે આપવાનો છે આ પ્લોટ પાસે બ્રિજનો છેડો છે પણ ત્યાં ચોક નથી આ કારણે કાલાવડ રોડ તરફથી આવતા કે નાનામવા સર્કલ તરફથી આવતા વાહનોએ કે.કે.વી. સર્કલથી આવવું પડશે અને કે.કે.વી. સર્કલમાં વળી વધુ એક બ્રિજ બની રહ્યો છે.
- Advertisement -
જ્યારે નાનામવા સર્કલ તરફથી આવતા વાહનોએ બિગબઝાર પાસેથી રોંગ સાઈડમાંથી અથવા તો કે.કે.વીથી ફરીને અથવા તો બિગબઝારના સામેના માર્ગમાં શેરીઓમાંથી વાહનો કાઢી અમીન માર્ગ થઈને મેળામાં આવવું પડશે આ સ્થિતિએ ચારેકોર ટ્રાફિક જ જોવા મળશે જેથી મેળામાં જતા ન હોય તેવા લોકોને પારાવાર મુશ્કેલી પડશે. ત્રીજો પ્લોટ સાધુવાસવાણી રોડ પરનો છે આ પ્લોટ નાનામવા સર્કલ કરતા નાનો છે તેમજ ત્યાં ચોક છે તેમજ ત્યાં બ્રિજ સહિતના કોઇ કામ ચાલતા ન હોવાથી ત્યાં ટ્રાફિકની સમસ્યાની ગંભીર બાબત હાલ દેખાતી નથી.